તુનિશા શર્મા ગર્ભવતી નહોતીઃ પોસ્ટ-મોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટતા

મુંબઈઃ ગયા શનિવારે પાલઘર જિલ્લાના નાયગાંવમાં ટીવી સિરિયલના શૂટિંગ સેટ પરના મેકઅપ રૂમમાં મૃત હાલતમાં મળી આવેલી 20 વર્ષીય અભિનેત્રી તુનિશા શર્મા ગર્ભવતી નહોતી એવી સ્પષ્ટતા તેનાં મૃતદેહનાં પોસ્ટ-મોર્ટમ અહેવાલમાં કરવામાં આવી છે. બે દિવસથી એવી અટકળો થતી રહી છે કે તુનિશા ગર્ભવતી હતી અને તેનાં બોયફ્રેન્ડ સહ-કલાકાર શીઝાન ખાને તેની સાથે લગ્ન કરવાની ના પાડતાં હતાશ થઈને તેણે આત્મહત્યા કરી હતી. આ મૃત્યુ લવ જિહાદનો મામલો હોવાના પણ આક્ષેપો થયા છે, જેને પોલીસે નકારી કાઢ્યા છે. પોસ્ટ-મોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તુનિશાનાં શરીર પર ઈજા કે શંકાસ્પદ જખમનું નિશાન જોવા મળ્યું નથી. વળી તે ગર્ભવતી પણ નહોતી. એનું મૃત્યુ શ્વાસ રૂંધાઈ જવાથી અર્થાત ગળાફાંસો ખાવાથી થયું હતું તે રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

તુનિશાની બહેનપણી અભિનેત્રી પ્રીતિ તનેજાએ એક અખબારને આપેલી મુલાકાતમાં એમ કહ્યું હતું કે તુનિશા ગર્ભવતી હોવાની સંભાવના છે. તુનિશા અને શીઝાન એકબીજાંને ડેટ કરતાં હતાં. તેઓ અમુક વખતથી રીલેશનશિપમાં હતાં. એદરમિયાન તુનિશા ગર્ભવતી થઈ હતી અને તેથી તે પોતાની સાથે લગ્ન કરી લેવાનો શીઝાનને સતત આગ્રહ કરતી હતી. પરંતુ શીઝાન સતત ઈનકાર કરતો હતો.

તુનિશાનાં માતાએ પણ શીઝાન ખાન સામે ગંભીર આક્ષેપ અને ફરિયાદ કર્યા બાદ વસઈ પોલીસે શીઝાનની ગઈ કાલે ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે તેને ચાર-દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.