મુંબઈ-અમદાવાદ-દાયકાઓથી ગુજરાત પોલિસ અને સરકાર માટે વિવાદનો મોટો મુદ્દો બની રહેલા બે એન્કાઉન્ટર કેસમાં 13 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે.જેમાં કોર્ટે તમામ 22 આરોપીને દોષમુક્ત કરાર આપતાં છોડી મૂક્યાં છે.
સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટ કેસમાં 13 વર્ષ બાદ શુક્રવારે ચૂકાદો આવ્યો છે.જેમાં સીબીઆઈ કોર્ટે નોધ્યું કે, તમામ સાક્ષીઓ અને પુરાવાઓથી એવું સાબિત નથી થતું કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર એક કાવતરું અને હત્યા હતી. કોર્ટે એમ પણ નોંધ્યું કે પુરાવાઓ પૂરતાં નથી. તુલસી પ્રજાપતિ કેસમાં કોર્ટે કહ્યું કે કાવતરું ઘડીને તેની હત્યા કરવામાં આવી છે તે સાચું નથી. સોહરાબુદ્દીન શેખ કેસમાં તમામ 22 આરોપીઓને પુરાવાના અભાવે દોષમુક્ત કર્યા છે.સોહરાબુદ્દીન શેખ
જજ એસ જે શર્માએ આ સાથે કહ્યું કે અમને એ વાતનું દુ:ખ છે કે ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં. પરંતુ કાયદો અને સીસ્ટમને કોઈ આરોપ પુરવાર કરવા માટે પુરાવાઓની જરુર પડે છે. સીબીઆઈ આ વાત સાબિત ન કરી શકી કે પોલીસવાળાઓએ સોહરાબુદ્દીનને હૈદરાબાદથી કિડનેપ કર્યો હતો. એ વાતનો કોઈ પુરાવો નથી.
સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે નોંધ્યું કે, સરકારી મશીનરી અને પ્રોસિક્યૂશને ખૂબ જ પ્રયત્ન કર્યા, 210 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા પરંતુ સંતોષકારક પુરાવા સામે ન આવ્યાં અને સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ ગયાં. જો સાક્ષીઓ બોલે નહીં તો તેમાં પ્રોસિક્યૂશનનો કોઈ વાંક નથી.તુલસીરામ પ્રજાપતિ
આપને જણાવીએ કે મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટ આ મામલાની સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન પ્રોસેક્યૂશન પક્ષના લગભગ 92 સાક્ષી ફરી ગયા. આ મહિનાની શરુઆતે અંતિમ દલીલો પૂરી થયા બાદ સીબીઆઈ મામલાના વિશેષ ન્યાયાધીશ એસ જે શર્મા ચૂકાદો 21 ડિસેમ્બરે સંભળાવ્યો છે. મોટાભાગના આરોપી ગુજરાત અને રાજસ્થાનના જૂનિયર સ્તરના પોલીસ અધિકારી છે.
કોર્ટે સીબીઆઈના આરોપપત્રમાં સામેલ 38 આરોપીમાંથી જે 16ને પુરાવાના અભાવે આરોપમુક્ત કરી દીધા છે, તેમાં અમિત શાહ, રાજસ્થાનના તત્કાલીન ગૃહપ્રધાન ગુલાબચંદ કટારિયા, ગુજરાત પોલિસના પૂર્વ ડીજીપી પીસી પાંડે અને ગુજરાત પોલીસના પૂર્વ સિનિયર અધિકારી ડીજી વણઝારા સામેલ છે.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તવારીખ
26 નવેમ્બર, 2005- સોહરાબુદ્દીન શેખ ગુજરાત એટીએસ અને રાજસ્થાન એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો, તેના પર એક પ્રસિદ્ધ નેતાની હત્યા કરવાનો આરોપ હતો.
14 જાન્યુઆરી, 2006- સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીને સીજેઆઈને પત્ર લખ્યો, એન્કાઉન્ટર અને સોહરાબુદ્દીનની પત્ની કૌસર બી લાપત્તા થઈ હોવાની ફરિયાદ કરી
22 જાન્યુઆરી, 2006- આ ફરિયાદ ગુજરાત સરકારને પણ કરવામાં આવી
27 જૂન, 2006- ગુજરાત ડીજીપી પી સી પાંડેના આદેશ પર આ મામલાની પ્રારંભિક પૂછપરછ શરુ થઈ
28 ડીસેમ્બર, 2006- સોહરાબુદ્દીન ગેંગનો સાથીદાર તુલસીરામ એન્કાઉન્ટરમાં માર્યો ગયો
11 સપ્ટેમ્બર, 2007- તુલસીરામની મા નર્મદાબાઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, અને એન્કાઉન્ટર ખોટું હોવાનો આરોપ લગાવ્યો
માર્ચ, 2008- સોહરાબુદ્દીન કેસ ગુજરાત સીઆઈડીને સોંપવામાં આવ્યો
24 એપ્રિલ, 2008- ત્રણ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા, રાજકુમાર અને દિનેશ એનએનની ધરપકડ કરવામાં આવી
16 જુલાઈ, 2008- ગુજરાત સીઆઈડીએ ચાર્જશીટ દાખલ કરી એન્કાઉન્ટરને ખોટું બતાવ્યું અને ત્રણ અધિકારીઓને આરોપી
12 જાન્યુઆરી, 2010- સુપ્રીમ કોર્ટે સીઆઈડીની ચાર્જશીટમાં કેટલીક વિસંગતતાઓ દર્શાવી અને આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યો
1 ફેબ્રુઆરી, 2010- સીબીઆઈએ તુલસીરામ કેસને રજિસ્ટર કર્યો
23 જુલાઈ, 2010- સીબીઆઈએ સોહરાબુદ્દીન મામલામાં 38 આરોપીના નામ સાથે ચાર્જશીટ દાખલ કરી, તેમાં અમિત શાહ, રાજસ્થાનના પૂર્વ ગૃહપ્રધાન ગુલાબચંદ કટારિયા સહિતના કેટલાંય નામ હતાં.
27 સપ્ટેમ્બર, 2011- સુપ્રીમ કોર્ટે સોહરાબુદ્દીન કેસ ટ્રાયલને ગુજરાત બહાર મુંબઈમાં ટ્રાન્સફર કર્યો
1 ડીસેમ્બર, 2014- સોહરાબુદ્દીન કેસમાં જજ બી એસ લોયાને હાર્ટ એટેક આવતાં તેમનું નિધન થયું
30 ડીસેમ્બર, 2014- નવા જજ તરીકે એમ બી ગોસવીએ અમિત શાહને મુક્ત કર્યા
ફેબ્રુઆરી-માર્ચ-2015- સોહરાબુદ્દીન કેસમાં ડીજી વણઝારા સહિત કેટલાક આરોપીઓ મુક્ત થયાં
29 નવેમ્બર, 2017- આ કેસની ટ્રાયલ ફરીથી શરૂ થઈ
3 નવેમ્બર, 2018- સોહરાબુદ્દીનના નજીક ગણાતા અને મુખ્ય સાક્ષી આઝમ ખાને નિવેદન આપ્યું, આઝમે આરોપ લગાવ્યો કે વણઝારાના કહેવાથી સોહરાબુદ્દીને ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યા કરી હોવાનું કબૂલ્યું
22 નવેમ્બર, 2018- સીબીઆઈએ આ કેસમાં 500માંથી 210 સાક્ષીઓની તપાસ કરીને કેસ બંધ કર્યો
5 ડીસેમ્બર, 2018- સીબીઆઈએ ચાર્જશીટ ખૂબ ઝડપથી ફાઈલ કરી છે, જેથી તેમાં કેટલાય લૂપહોલ છે.
|