મુંબઈ: સુપ્રીમ કોર્ટે શ્રી પાર્શ્વતિલક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટને પર્યુષણ તહેવાર દરમ્યાન જૈન મંદિરોને ખુલ્લા રાખવાની મંજૂરી આપી છે. કોવીડ-19ના સંદર્ભમાં અધિકારીઓએ ઘડેલી પ્રમાણભૂત માર્ગદર્શિકાનું પાલન કરીને, પર્યુષણ તહેવાર દરમિયાન જૈન મંદિરોને ખુલ્લા રાખવાની શરતી પરવાનગી મળવાથી જૈન સમાજમાં આનંદ ફેલાયો હતો. પર્યુષણ સમયગાળો આજે સમાપ્ત થઈ રહ્યો છે. જો કે ખંડપીઠે એ પણ સ્પષ્ટ કર્યું કે આ હુકમનો દાખલા તરીકે ઉપયોગ કરી શકાય નહીં અને તે અન્ય મંદિરો અથવા તહેવારો પર લાગુ નહીં પડે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે, ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રમણિનની બનેલી બેંચે આ સુનાવણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી પાર્શ્વતિલક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટે બોમ્બે હાઈકોર્ટના એ આદેશને પડકારતી પીટીશન સુપ્રીમ કોર્ટમાં ફાઈલ કરી હતી, જેમાં પર્યુષણ પર્વના પવિત્ર સમયગાળા દરમિયાન (15 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન) જૈન સમુદાયના સભ્યોને મંદિરોમાં પ્રાર્થના કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.
વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવે પિટિશનર-ટ્રસ્ટ વતી તો વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ મહારાષ્ટ્ર રાજ્ય વતી સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી હતી. પીટીશનમાં જણાવાયું હતું કે જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા દર વર્ષે અનુસરવામાં આવતી સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ પર્યુષણમાં થાય છે અને મંદિરો સહિતના ધાર્મિક સ્થળોને બંધ રાખવાનો નિર્દેશ એ મહારાષ્ટ્ર સરકારનું મનસ્વી, ગેરવાજબી અને કોઈપણ આધાર વગરનું પગલું છે.
સુપ્રીમ કોર્ટે પીટીશનમાં ઉલ્લેખિત ટ્રસ્ટ સંચાલિત દાદર, ભાયખલા અને ચેમ્બુરના મંદિરો ફક્ત બે દિવસ ખુલ્લા રાખવાની પરવાની આપી હતી. એમાં પણ પ્રતિ દિન 12થી 65 વર્ષના 250 શ્રદ્ધાળુઓના મંદિર પ્રવેશની જ મંજૂરી આપી હતી. ગર્ભગૃહમાં એક સમયે માત્ર પાંચ વ્યક્તિ હાજર રહી શકશે એવો નિર્દેશ પણ આપ્યો હતો.
પીટીશનની પ્રેરણા આપનારા ગચ્છાધિપતિ યુગભૂષણસુરિ ઉર્ફે પંડિત મહારાજ સાહેબે ચિત્રલેખા.કોમ ને જણાવ્યું હતું કે દરેક ધર્મના અમુક ફરજિયાત વિધિવિધાન હોય છે. એવી રીતે જૈન ધર્મમાં ભગવાન મહાવીરના સમયથી પર્યુષણાકલ્પની વિધિ અખંડરુપે ચાલી આવે છે અને પ્રત્યેક જૈન માટે એ ફરજિયાત છે. આવી પ્રણાલી જળવાઇ રહે એ હેતુથી અરજી કરી હતી.
સેંકડો વર્ષથી ચાલી આવતી જગન્નાથપુરીની રથયાત્રાની પરંપરાને પણ માન આપીને સુપ્રિમ કોર્ટે સમુહ ભેગો કર્યા વિના રથયાત્રાની પરવાનગી આપી હતી એવી જ રીતે કલ્પસૂત્ર શ્રવણ, સવંત્સરીનું પ્રતિક્રમણ અને સવંત્સરીના દિવસે પરમાત્મા ભક્તિ જેવા નિયત વિધિવિધાનને પરવાનગી મળે એવી અપેક્ષા હતી. પંડિત મહારાજે ઉમેર્યું હતું કે સુપ્રીમ કોર્ટે લાદેલી મર્યાદાના પાલનની જવાબદારી જે તે મંદિરના વહીવટદારો નિભાવશે.
(સમીર પાલેજા-મુંબઇ)