પુણે – અહીંના કોંઢવા વિસ્તારમાં એક હાઉસિંગ સોસાયટીની પાર્કિંગ વોલ તૂટી પડવાથી એની નીચે દટાઈ જતાં 17 જણનાં નિપજેલા કરૂણ મરણની ઘટનાના સંબંધમાં પોલીસે પકડેલા બે બિલ્ડરને એક સેશન્સ કોર્ટે બીજી જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આજે હુકમ કર્યો છે.
વિપુલ અગ્રવાલ અને વિવેક અગ્રવાલ નામના આ બંને બિલ્ડરને પોલીસે આજે જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) એસ.એસ. રામદીન સમક્ષ હાજર કર્યા હતા. મેજિસ્ટ્રેટે બંને પોલીસ કસ્ટડીમાં બીજી જુલાઈ સુધી રીમાન્ડ પર રાખવાની પોલીસને છૂટ આપી છે.
વિપુલ અગ્રવાલ અને વિવેક અગ્રવાલ ડેવલપર્સ છે અને એલ્કન લેન્ડમાર્ક્સ કંપનીમાં ભાગીદાર છે.
એલ્કન સ્ટાઈલસ સોસાયટીની બાજુમાં જ બંને બિલ્ડર એક બીજી ઈમારત બંધાવી રહ્યા હતા. એ માટે કામ કરતા મજૂરો એમનાં પરિવારજનો સાથે સોસાયટીની 22 ફૂટ ઊંચી કમ્પાઉન્ડ દીવાલની નીચે પતરાંનાં ઝૂંપડામાં રહેતાં હતાં. એ દીવાલ ગયા શનિવારે મધરાત બાદ લગભગ 1.30 વાગ્યે ઝૂંપડાઓ પર તૂટી પડી હતી. મજૂરો એ કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
મૃતકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. મજૂરો બિહાર અને પશ્ચિમ બંગાળનાં વતનીઓ હતાં.
પોલીસે બંને બિલ્ડરની શનિવારે જ ધરપકડ કરી હતી. આજે કોર્ટ સમક્ષ હાજર કરીને ફરિયાદી પક્ષે કહ્યું હતું કે આ કેસમાં તપાસ કરવા માટે આરોપીઓને રીમાન્ડ પર લેવાની જરૂર છે. એમની માગણી કોર્ટે માન્ય રાખી હતી.
હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓએ કમ્પાઉન્ડ દીવાલની ખરાબ હાલત વિશે બિલ્ડરોનું અવારનવાર ધ્યાન દોર્યું હતું, પણ એમણે તેની પર કોઈ પગલું ભર્યું નહોતું.