મુંબઈ: પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેંક (PMC) બેંક કૌભાંડના પીડિત ખાતાધારકોમાંથી એક સંજય ગુલાટીનું હાર્ટએટેક આવવાથી મોત નિપજ્યુ છે. સંજયના પરિવારના 90 લાખ રૂપિયા પીએમસી બેંકમાં ફસાયેલા છે. અગાઉ સંજયની જેટ એરવેઝમાંથી નોકરી પણ જતી રહી હતી અને હવે જીવનની તમામ મુડી ફસાય ગઈ છે. જેનો આઘાત સહ્નન ન કરી શક્યો. સોમવારે સંજય કિલ્લા કોર્ટની સામે બેંક વિરોધી પ્રદર્શનમાં સામેલ થયો હતો. ત્યારબાદ બપોરે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેને હાર્ટએટેક આવ્યો હતો.
બીજી તરફ ભારતીય રિઝર્વ બેંકે પીએમસી બેંકના બચત ખાતાધારકો માટે 6 મહિના માટે નાણા ઉપાડની મર્યાદા 25 હજારથી વધારીને 40 હજાર રૂપિયા કરી દીધી છે. આ ત્રીજી વખત આરબીઆઈએ પીએમસીના ગ્રાહકો માટે ખાતાદીઠ ઉપાડની મર્યાદા વધારી છે. કેન્દ્રીય બેંકે 23 સપ્ટેમ્બરનો રોજ પીએમસી બેંક પર અનેક પ્રકારના પ્રતિબંધ લાદ્યા હતાં. એ સમયે ગ્રાહકો માટે 6 મહિનામાં માત્ર 1000 રૂપિયા ઉપાડની મર્યાદા નક્કી કરી હતી. રિઝર્વ બેંકના આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી.
રિઝર્વ બેંકે પોતાના નિવેદનમાં કહ્યું કે, બેંકની રોકડની સ્થિતિની સમીક્ષા પછી ઉપાડ મર્યાદાને વધારીને 40 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ પગલા પછી પીએમસી બેંકના લગભગ 77 ટકા જમાકર્તા પોતાના ખાતામાંથી તમામ રકમ ઉપાડી શકશે.
આ ઉપરાંત મુંબઈની એક અદાલતે પીએમસી બેંક કૌભાંડ મામલે સોમવારે હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાકેશ વાઘવન તેમજ તેમના પુત્ર સારંગ અને બેંકના પૂર્વ ચેરમેન વરયામ સિંહની પોલીસ કસ્ટડી 16 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે.
સેકડો ખાતાધારકો આ મામલાને ‘વ્હાઇટ કોલર ક્રાઈમ’ ગણાવતા અદાલતની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. આ લોકો આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી અને તેમના નાણા જલ્દીથી છૂટા કરવાની માગ કરી રહ્યા છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ (પીએમસી) બેંક મામલે પોલીસે ત્રણેય આરોપીઓને સોમવારે મહાનગર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા.