મુંબઈ – મહાનગરમાં ‘બેસ્ટ’ વહીવટીતંત્રના બસ ડ્રાઈવરો અને કંડક્ટરો સહિત હજારો કર્મચારીઓની બેમુદત હડતાળનો આજે સાતમો દિવસ પણ પૂરો થઈ ગયો અને સમાધાન શક્ય બન્યું નથી. પરિણામે આવતીકાલે પણ મુંબઈગરાંઓને બસસેવાથી વંચિત રહેવું પડશે.
દરમિયાન, હડતાળનો મામલો ફરી મુંબઈ હાઈકોર્ટમાં રજૂ થશે. આવતીકાલે, સવારે 11 વાગ્યે ઉચ્ચાધિકાર સમિતિ પોતાનો અહેવાલ હાઈકોર્ટને સુપરત કરશે. ત્યારબાદ હાઈકોર્ટ નિર્ણય લે એવી ધારણા છે.
હાઈકોર્ટમાં આ કેસ અંગે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે સુનાવણી કરવામાં આવશે.
કોર્ટમાં આજે પણ સુનાવણી કરવામાં આવી હતી અને ન્યાયાધીશે ‘બેસ્ટ’ના હડતાળીયા કર્મચારીઓના યુનિયનને ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે માગણી પૂરી કરાવવા માટે કંઈ હડતાળ એકમાત્ર રસ્તો નથી. હડતાળને કારણે સામાન્ય નાગરિકો હેરાન થાય છે.
બીજી બાજુ, બેસ્ટ યુનિયનોએ કામદારોના ઓછા પગારનો મુદ્દો કોર્ટ સમક્ષ મૂક્યો હતો.
કોર્ટમાં રાજ્ય સરકાર વતી હાજર રહેલા વકીલે કહ્યું કે સરકારે MESMA કાયદો લાગુ કર્યો તે છતાં હડતાળ લંબાઈ છે. કામદારોનો પગારનો પ્રશ્ન ઉકેલવામાં આવશે, પણ એમણે પહેલા હડતાળનો અંત લાવવો જોઈએ.
તે સાંભળીને, કોર્ટે બેસ્ટના કર્મચારીઓને આજે સાંજ સુધીમાં નિર્ણય લેવા કહ્યું હતું અને રાજ્ય સરકારને આવતીકાલે સવારે ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક બોલાવી તેમાં લેવાનાર નિર્ણયની જાણકારી કોર્ટને બપોરે 3 વાગ્યા સુધીમાં કરવાનો આદેશ આપ્યો છે. તે અહેવાલ કોર્ટને સીલબંધ કવરમાં આપવા જણાવાયું છે.
સવારે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ફોન પર ચર્ચા થઈ હતી, પરંતુ બંને વચ્ચે શું વાતચીત થઈ અને શું નક્કી થયું એની જાણકારી મળી નથી.
મુંબઈમાં મહાનગરપાલિકા સંચાલિત બેસ્ટ વહીવટીતંત્રમાં 32 હજાર જેટલા કર્મચારીઓ છે. બેસ્ટ કંપની મુંબઈમાં 3,200 જેટલી બસો દોડાવે છે. સાત દિવસથી એકેય બસ રસ્તા પર જોવા મળી નથી. મુંબઈમાં છેલ્લા 22 વર્ષમાં બેસ્ટની આ સૌથી લાંબી ચાલેલી બસ હડતાળ બની છે.