મુંબઈ – મહાનગરમાં જાહેર બસ સેવા પૂરી પાડતા ‘બેસ્ટ’ (BEST) પ્રશાસન અને તેના કામદારો વચ્ચેની વાટાઘાટ આજે પણ નિષ્ફળ જતાં કર્મચારીઓની આજે મધરાતથી બેમુદત હડતાળ નિશ્ચિત થઈ છે.
બેસ્ટના 30 હજાર કર્મચારીઓમાં બસ ડ્રાઈવરો અને કંડક્ટરોનો પણ સમાવેશ થાય છે.
આ હડતાળને કારણે મુંબઈના લાખો લોકોને ખૂબ હાડમારી ભોગવવી પડશે.
કર્મચારીઓનો દાવો છે કે બોનસ તથા બીજી અનેક માગણીઓ પૂરી કરવામાં પ્રશાસન તરફથી વિલંબ કરવામાં આવી રહ્યો છે. આને લીધે બેસ્ટ સંયુક્ત કામગાર કૃતિ સમિતિ દ્વારા હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.
આ હડતાળ પાડવા માટે એક આંતરિક સર્વેક્ષણમાં 95 ટકા કર્મચારીઓએ સહમતી દર્શાવી હતી.
આ હડતાળ ન પડે એ માટે ગયા શુક્રવારે બેસ્ટ પ્રશાસન તથા કૃતિ સમિતિના સભ્યો વચ્ચે વાટાઘાટ કરવામાં આવી હતી, પરંતુ એમાં કોઈ સમાધાન થઈ શક્યું નહોતું. પરિણામે કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય લીધો હતો.
બેસ્ટ ઉપક્રમે એવી ચેતવણી આપી છે કે હડતાળ પર જનાર કર્મચારીઓને ‘મેસ્મા’ કાયદો (મહારાષ્ટ્ર ઈસેન્શ્યલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ) લાગુ કરવામાં આવશે.
BEST વર્કર્સ યુનિયનના પ્રમુખ શશાંક રાવે કહ્યું છે કે ખાતરીઓ આપી હોવા છતાં કર્મચારીઓની માગણીઓ પૂરી કરવામાં આવી નથી. અમારી ત્રણ મુખ્ય માગણી છેઃ 2007ની સાલ બાદ નોકરી પર રખાયેલા 13,500 કર્મચારીઓનો પશ્ચાદ તારીખથી અમલમાં આવે એ રીતે માસ્ટર ગ્રેડ નક્કી કરવામાં આવે, BEST વહીવટીતંત્રના બજેટને મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના ‘A’ બજેટ સાથે જોડી દેવામાં આવે અને 2016ના મે મહિનામાં સુપરત કરવામાં આવેલી માગણીઓ અંગે કર્મચારીઓ સાથે વાટાઘાટ તાત્કાલિક શરૂ કરવામાં આવે.
કર્મચારીઓ 2017ની 7 ઓગસ્ટે એક દિવસની હડતાળ પર ગયા હતા. પરંતુ કેટલીક માગણીઓ પૂરી કરી દેવાતાં હડતાળ પાછી ખેંચી લેવામાં આવી હતી. આ કર્મચારીઓ ગયા ડિસેંબર મહિનાથી હડતાળ પર જવાની ધમકી આપી રહ્યા હતા. ત્યારબાદ કામદાર સંઘો દ્વારા કર્મચારીઓમાં એક સર્વે દ્વારા હડતાળ પર જવું કે નહીં? એ વિશે એમનો મત માગવામાં આવ્યો હતો. બહુમતી કર્મચારીઓએ કહ્યું હતું કે જાન્યુઆરીમાં હડતાળ પર જવું જોઈએ.