મુંબઈમાં BEST બસકર્મીઓની હડતાળથી લાખો નાગરિકો પરેશાન; સરકારે MESMA કાયદો લાગુ કર્યો

મુંબઈ – મહાનગરમાં સિવિક ટ્રાન્સપોર્ટ કંપની BEST (બૃહનમુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ના 30 હજારથી વધુ કર્મચારીઓ પગારવધારા સહિતની અનેક માગણીઓના ટેકામાં આજથી બેમુદત હડતાળ પર ઉતરી ગયા હોવાથી લાખો નાગરિકોને હાડમારી ભોગવવી પડી છે જ્યારે બીજી બાજુ, મહારાષ્ટ્ર સરકારે હડતાળીયા કર્મચારીઓ સામે ‘મેસ્મા’ કાયદો (મહારાષ્ટ્ર ઈસેન્શ્યલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ) લાગુ કર્યો છે.

BEST કર્મચારીઓની હડતાળની સાથે જ 10 કામદાર સંઘો સાથે સંકળાયેલા કેન્દ્રીય કર્મચારીઓ પણ આજથી બે દિવસની હડતાળ પર ઉતરી ગયા છે તેથી મુંબઈમાં જનજીવનને માઠી અસર પડી છે.

BEST કર્મચારીઓની હડતાળથી 25 લાખ જેટલા દૈનિક બસપ્રવાસીઓને હાડમારી પડ્યા બાદ રાજ્ય સરકારે કર્મચારીઓ સામે MESMA કાયદો લાગુ કરી દીધો છે.

બસ ડ્રાઈવરો-કંડક્ટરોની હડતાળનો લાભ ઉઠાવીને ઘણા ઓટોરિક્ષા ચાલકો સામાન્ય કરતાં પાંચ ગણું ભાડું ઉઘરાવતા હોવાની ઘણા વિસ્તારોમાં લોકોએ ફરિયાદ કરી છે.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અજય મહેતા તથા બેસ્ટ વર્કર્સ યુનિયનના નેતાઓ વચ્ચેની બેઠક કોઈ સમાધાન વગર પૂરી થયા બાદ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે.

એક સિનિયર મ્યુનિસિપલ અધિકારીએ કહ્યું કે કર્મચારીઓની હડતાળ ગેરકાયદેસર છે અને આંદોલન પર ઉતરેલા કર્મચારીઓને કોઈ પણ પ્રકારના વિલંબ વગર કામ પર પાછા હાજર થઈ જવાનું જણાવવામાં આવ્યું છે, કારણ કે એમની હડતાળને કારણે શહેરમાં લાખો પ્રવાસીઓને તકલીફ પડી રહી છે. હડતાળીયા કર્મચારીઓએ સમજવું જોઈએ કે સરકારે MESMA કાયદો લાગુ કર્યો છે.

પશ્ચિમ રેલવે, મુંબઈ મેટ્રો ટ્રેનો વધારી; એસ.ટી. નિગમે બસ વધારી

બેસ્ટ પ્રશાસનના કર્મચારીઓની વિવિધ માગણીઓને લઈને છેલ્લા શુક્રવારથી તેમની સંયુક્ત સમિતિ તથા બેસ્ટ પ્રશાસન વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે. પણ ચર્ચાનો કોઈ નિવેડો ન આવતાં બેસ્ટના લગભગ 30,000 જેટલાં કર્મચારીઓ સોમવારની મધરાતથી બેમુદત હડતાળ ઉપર ઉતરી ગયા છે. એને લીધે કામ-ધંધે જતાં મુંબઈગરાંઓનાં બેહાલ થયા છે. ઉપરાંત અમુક ઠેકાણે રીક્ષા તેમજ ટેક્સી ચાલકો ભાડામાં બેફામ વધારો વસૂલ કરી રહ્યાં છે.

જો કે, પશ્ચિમ રેલ્વેએ લોકલ ટ્રેનો વધારી દીધી છે. તેમજ મુંબઈ મેટ્રોએ પણ ઘાટકોપરથી વર્સોવા વચ્ચે 12 મેટ્રો ટ્રેનો વધારી છે. એસ.ટીની 40 જેટલી બસ સેવા શરૂ કરવામાં આવી છે અને જરૂર પડ્યે હજુ તેમાં વધારો કરવામાં આવશે એવું એસ.ટી. નિગમ તરફથી જણાવવામાં આવ્યું છે.

httpss://twitter.com/MumMetro/status/1082543236005019648

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]