મુંબઈ – ભારતીય જનતા પાર્ટી અને એના ભાગીદાર શિવસેના વચ્ચેના ઝઘડાનો હજી અંત આવ્યો નથી. એને કારણે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પતી ગયાના 13-13 દિવસ બાદ પણ હજી સરકાર રચાઈ નથી. આ બંને પાર્ટીની યુતિ (જોડાણ)ને કુલ 161 સીટ મળી છે અને તે સરકાર બનાવવા માટે જરૂરી 145 સીટના આંકડા કરતાં પણ વધારે છે તે છતાં બંને પાર્ટી મુખ્ય પ્રધાન પદ માટે ઝઘડી રહી છે.
ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે આજે કહ્યું કે રાજ્યમાં ભાજપની જ સરકાર રચાશે. અમે શિવસેનાને સાથે રાખીને ચૂંટણી લડી હતી અને બહુમતી મતદારોએ પણ મહાયુતિની જ તરફેણમાં મત આપ્યો છે. તેથી રાજ્યમાં મહાયુતિની જ સરકાર રચાશે.
આજે સાંજે અહીં મહારાષ્ટ્ર ભાજપ કોર કમિટીની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પાટીલે વધુમાં કહ્યું કે જનતાએ ભાજપ-શિવસેના મહાયુતિને સરકાર રચવાનો કોલ આપ્યો છે. સરકારની રચના મામલે અમને હજી સુધી શિવસેના તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. અમે એના પ્રસ્તાવની રાહ જોઈ રહ્યા છીએ. શિવસેનાનાં પ્રસ્તાવ માટે ભાજપના દરવાજા ખુલ્લા છે. એ લોકો પ્રસ્તાવ મોકલશે એ પછી ભાજપ તેની પર વિચારણા કરશે.
પ્રસ્તાવ વળી કેવો? જે નક્કી થયું છે એ જ કરોઃ સંજય રાઉત
દરમિયાન, શિવસેનાનાં નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે ચંદ્રકાંત પાટીલના નિવેદનના પ્રત્યાઘાતમાં પત્રકારો સમક્ષ કહ્યું કે પ્રસ્તાવ કેવો ને વાત કેવી. જે નક્કી થયું છે એ જ તમે કરો.
રાઉતે કહ્યું કે ભાજપના પ્રમુખ અમિત શાહની હાજરીમાં જે નક્કી થયું હતું એનો હવે લેખિતમાં પ્રસ્તાવ આપો અને તેની પર ચર્ચા શરૂ કરીએ.
આમ, રાઉતે ફરી વાર ભાજપાને આડે હાથ લીધી છે.
અમારા વિધાનસભ્યોને ફોડી તો બતાવોઃ પવારની ભાજપને ચેલેન્જ
દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે શિવસેના પાર્ટી રાજ્યમાં સત્તાની વહેંચણી માટે 50-50ની ફોર્મ્યુલા સામે ઝૂકવા તૈયાર ન હોવાથી ભાજપ કર્ણાટકની સ્થિતિનું મહારાષ્ટ્રમાં પુનરાવર્તન કરે એવી સંભાવના છે. પરંતુ અમે ભાજપની હિલચાલથી જરાય ડરીએ એમ નથી. તમારામાં દમ હોય તો અમારા વિધાનસભ્યોને ફોડી બતાવો, એવો ખુલ્લો પડકાર પવારે ભાજપને ફેંક્યો છે.
મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે મળવા વિચારે છે તેથી આ ત્રણેયના વિધાનસભ્યોને ફોડવાનો ભાજપ પ્રયત્ન કરી કર્ણાટકમાં એણે રમેલી રમતનું મહારાષ્ટ્રમાં પુનરાવર્તન કરે એવી અફવા છે. તેના સંદર્ભમાં પવારે ભાજપને ચેલેન્જ ફેંકી છે.
ભાજપના પ્રયાસોનો સામનો કરવા માટે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સાથે મળી જશે એવું સૂત્રોનું કહેવું છે.