‘મહા’ વાવાઝોડાનો ખતરોઃ પાલઘર જિલ્લામાં 3 દિવસ શાળા-કોલેજો બંધ

મુંબઈ – અત્યંત ગંભીર શ્રેણીમાં મૂકાયેલું ‘મહા’ વાવાઝોડું 6 નવેંબરના બુધવારે મોડી રાતે અને 7 નવેંબરના ગુરુવારે સવારે ગુજરાતના સમુદ્રકાંઠા પર ત્રાટકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ આ ચક્રવાતી વાવાઝોડું નબળું પડી ગયું છે એવી માહિતી ભારતીય હવામાન વિભાગે આપી છે.

અરબી સમુદ્ર પરના આકાશમાં આકાર લેનારું ‘મહા’ વાવાઝોડું પોરબંદરની પશ્ચિમ-નૈઋત્ય બાજુએ લગભગ 600 કિ.મી. દૂર છે. તેનું જોર હજી વધારે નબળું પડવાની ધારણા છે. તે ગુજરાતના કાંઠા પરથી 7 નવેંબરની સવારે પસાર થવાની સંભાવના છે. એ વખતે પવનની ગતિ તેજ રહેશે અને ભારે વરસાદ પડશે.

જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, પોરબંદર, રાજકોટમાં 6-7 નવેંબરે ભારે વરસાદ પડવાની આગાહી છે.

વાવાઝોડું નબળું પડી રહ્યું છે તે છતાં એ હજી પણ ગંભીર કેટેગરીમાં જ છે.

એ પૂર્વ-ઈશાન તરફ આગળ વધશે એમ વધારે નબળું પડતું જશે. 7 નવેંબરે પવનની ગતિ પ્રતિ કલાક 70-80 કિ.મી. રહેવાની ધારણા છે.

આણંદ, અમદાવાદ, બોટાદ, વડોદરામાં પણ બુધવારે અને ગુરુવારે વરસાદ પડી શકે છે.

‘મહા’ વાવાઝોડાને કારણે મહારાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાલઘર જિલ્લામાં સૌથી વધારે સતર્કતાનો કોલ અપાયો છે. આ ઉપરાંત થાણે તથા અમુક ઉત્તરીય જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે.

પાલઘર જિલ્લામાં બુધવાર, ગુરુવાર અને શુક્રવાર, એમ ત્રણ દિવસ સુધી શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

પાલઘર જિલ્લા કલેક્ટરે તમામ સંબંધિત સત્તાધિશોને આદેશ આપ્યો છે કે તેઓ 6-9 નવેંબર સુધી દરિયાકાંઠાની તમામ હોટેલ તથા રિસોર્ટ્સ ખાલી રખાવે.