વર્સોવા-ઘાટકોપર મેટ્રો સેવા પોણો કલાક ખોરવાઈ ગઈ

મુંબઈઃ અહીં વર્સોવા (અંધેરી પશ્ચિમ) અને ઘાટકોપર વચ્ચેની મેટ્રો ટ્રેન સેવા આજે સાંજે ધસારાના સમય વખતે કોઈક ટેકનિકલ સમસ્યા ઊભી થવાને કારણે લગભગ 45 મિનિટ સુધી ખોરવાઈ ગઈ હતી. સાંજે પાંચ વાગ્યાની અમુક મિનિટો પૂર્વે આ સેવા ખોરવાઈ ગઈ હતી. તેટલો સમય સુધી પ્રવાસીઓ માટે સ્ટેશનો પર જવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. સ્ટેશનો અને પ્લેટફોર્મ્સ પર લોકોની ભીડ જમા ન થાય તે માટે સ્ટેશનોના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.

આ સેવાની સંચાલક કંપની મુંબઈ મેટ્રો વન તરફથી પ્રવાસીઓને જણાવવામાં આવ્યું હતું કે આ વિક્ષેપના સમયગાળા દરમિયાન તેઓ વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ સેવાનો ઉપયોગ કરે.

સેવા આખરે 5.30 વાગ્યા બાદ ફરી શરૂ કરવામાં આવી હતી. સાંજનો આ સમય કામ-ધંધેથી ઘેર તરફ જનારાઓના ધસારાનો હોય છે. મેટ્રો ટ્રેન બંધ રહેતાં લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડી હતી.