વાહ, મુંબઈમાં મોનોરેલનાં સારાં દિવસો આવ્યાં, કમાણી અઠવાડિયામાં 36 લાખ

મુંબઈ – પૂર્વ મુંબઈમાં લોકોને મોનોરેલ હવે વધારે પસંદ પડવા લાગી છે. આની સાબિતી મોનોરેલ સેવાએ છેલ્લા એક જ અઠવાડિયામાં કરેલી ધરખમપણે મહેસુલી આવક મેળવી છે.

ચાર-ડબ્બાની ટ્રેનવાળી મોનોરેલનો બીજો તબક્કો શરૂ થયાના એક જ અઠવાડિયામાં એણે લગભગ 36 લાખ રૂપિયાની કમાણી કરી છે.

ચેંબૂર અને વડાલા વચ્ચે મોનોરેલનો જ્યારે પહેલો તબક્કો શરૂ કરાયો હતો ત્યારે એને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નહોતો એટલે તે ખોટમાં ગઈ હતી. પણ વડાલાથી સંત ગાડગે મહારાજ ચૌક (જેકબ સર્કલ) – 20 કિ.મી.નો બીજો તબક્કો શરૂ થયા બાદ, મોનોરેલ સેવા ચેંબૂર-વડાલા-સંત ગાડગે મહારાજ ચૌક એમ વિસ્તરણ પામતાં એને લોકો તરફથી બહુ જ સરસ પ્રતિસાદ મળ્યો છે.

મોનોરેલ ખોટમાં જતાં એને ચાર-પાંચ મહિના સુધી બંધ પણ રાખવી પડી હતી. બીજો તબક્કો લોકસભા ચૂંટણી આવી રહી હોવાથી ઉતાવળે શરૂ કરવામાં આવ્યો છે, પણ એ સુપરહિટ નિવડ્યો છે અને સત્તાવાળાઓએ રાહતનો દમ ખેંચ્યો છે.

મોનોરેલ સેવા શરૂ કરનાર મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ના અધિકારીઓ ખુશ થઈ ગયા છે અને તેઓ હવે આવતા ચાર-પાંચ મહિનામાં જ પાંચ વધુ મોનોરેલ પેસેન્જર ટ્રેન ખરીદવાના છે. એને લીધે મોનોરેલ સેવા દર 12-15 મિનિટે દોડાવી શકાશે, જે ફ્રીક્વન્સી હાલ 22 મિનિટની છે. હાલ મોનોરેલ ટ્રેનોને સવારે 6થી રાતે 10 વાગ્યા સુધી એટલે કે 16 કલાક સુધી દોડાવવામાં આવે છે. આ માટે તંત્ર પાસે માત્ર ચાર જ ટ્રેન છે. પાંચ ખરીદ્યા બાદ મોનોરેલ ટ્રેનોની સંખ્યા 9 થઈ જશે.