શરદ પવાર લોકસભાની ચૂંટણી નહીં લડે; ભત્રિજા-પુત્ર માટે પોતે રેસમાંથી ખસી ગયા

મુંબઈ – રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે આ વખતે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત એમણે પત્રકારો સમક્ષ કરી છે.

એએનઆઈ સમાચાર સંસ્થાએ પવારને એમ કહેતા ટાંક્યા છે કે, ‘આ વખતે મારા પરિવારનાં બે સભ્યો ચૂંટણી લડી રહ્યા છે તેથી મને લાગ્યું છે કે ચૂંટણી ન લડવાનો મારા માટે આ ઉચિત સમય છે, કારણ કે હું ભૂતકાળમાં 14 વખત ચૂંટણી લડી ચૂક્યો છું.’

પવારના પુત્રી સુપ્રિયા સુળે અને ભત્રિજા અજિત પવારના પુત્ર પાર્થ પવાર લોકસભાની ચૂંટણી લડવાનાં છે.

અગાઉ એવા અહેવાલ હતા કે 78 વર્ષીય પવાર મહારાષ્ટ્રના માઢા મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડશે.

આગામી લોકસભા ચૂંટણી માટે પક્ષની વ્યૂહરચના ઘડવા માટે શરદ પવારે ગયા અઠવાડિયે એમની પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેેઠક યોજી હતી. એ બેઠક વખતે મહારાષ્ટ્રના નાગપુર અને એહમદનગર બેઠકો માટે પક્ષના સંભવિત ઉમેદવારો વિશે ચર્ચા પણ કરી હતી.

મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. એમાંની 40 બેઠકો માટે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે ગઈ 24 ડિસેંબરે સમજૂતી સધાઈ હતી. પરંતુ, પવારે ચૂંટણી લડવી કે નહીં એ ત્યારે સ્પષ્ટ કરાયું નહોતું.

પવાર ભૂતકાળમાં બે વાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદે રહી ચૂક્યા છે. કેન્દ્ર સરકારમાં એ સંરક્ષણ અને કૃષિ પ્રધાન તરીકે સેવા બજાવી ચૂક્યા છે.

પવાર મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતીના વતની છે. હાલ એ રાજ્યસભાના સદસ્ય છે.

મહારાષ્ટ્રના તેમજ રાષ્ટ્રીય રાજકારણમાં પવાર ઘણી વગ ધરાવે છે.

આ વખતની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે. 11 એપ્રિલથી મતદાનના તબક્કાઓનો આરંભ થશે. 19મે એ છેલ્લા તબક્કાનું મતદાન થશે. 23 મે મતગણતરી અને પરિણામનો દિવસ નક્કી કરાયો છે. મહારાષ્ટ્રમાં ચાર તબક્કામાં મતદાન થશે. મહારાષ્ટ્રમાં 48 બેઠકો માટે આ રીતે મતદાન થવાનું છેઃ પહેલા તબક્કામાં 11 એપ્રિલે 7 બેઠકો પર મતદાન, બીજા તબક્કામાં 18 એપ્રિલે 10 બેઠકો માટે મતદાન, ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે 14 બેઠકો માટે મતદાન અને ચોથા તબક્કામાં, 29 એપ્રિલે 17 બેઠકો માટે મતદાન થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]