મુકેશ અંબાણી, ઉદય કોટકે લોકસભા ચૂંટણીમાં મિલિંદ દેવરા માટે ટેકો જાહેર કર્યો

મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને કોટક બેન્કના વડા ઉદય કોટકે લોકસભા ચૂંટણીમાં મુંબઈ-દક્ષિણ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવરા માટે એમનો ટેકો જાહેર કર્યો છે. દેવરાની ચૂંટણી ટીમે આજે આ વિશેનો એક વિડિયો રિલીઝ કર્યો છે. જેમાં દેવરાની તરફેણ કરતા નિવેદનો રજૂ કરાયા છે.

મુકેશ અંબાણી

અંબાણી કહે છે, મિલિંદ દક્ષિણ મુંબઈના સુવિખ્યાત નાગરિક છે. મિલિંદ દસ વર્ષથી દક્ષિણ મુંબઈનું પ્રતિનિધિત્વ કરતા હોઈ મારું માનવું છે કે એમને દક્ષિણ મુંબઈના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઢાંચાનું ઊંડું જ્ઞાન છે.

અંબાણીએ કહ્યું છે કે મિલિંદના નેતૃત્વ હેઠળ દક્ષિણ મુંબઈમાં નાના અને મોટા ઉદ્યોગો વિકાસ પામ્યા છે.

મિલિંદ દેવરા

કોટકે પણ મિલિંદ દેવરાના ટેકામાં જણાવ્યું છે કે, મિલિંદ ખરા અર્થમાં મુંબઈનું કનેક્શન ધરાવે છે. મારું દ્રઢપણે માનવું છે કે મિલિંદ દક્ષિણ મુંબઈને સમજે છે. એમનો પરિવાર લાંબા સમયથી મુંબઈ સાથે સંકળાયેલો રહ્યો છે.

દક્ષિણ મુંબઈ લોકસભા મતવિસ્તારમાં મિલિંદ દેવરા સામે શિવસેનાનાં ઉમેદવાર છે અરવિંદ સાવંત.

તાજેતરમાં, ડાયમંડ બુર્સ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હિરાના વેપારી ભરત શાહે પણ મિલિંદ દેવરાની પ્રશંસા કરી હતી.

શિવસેનામાં ઉમેદવાર અરવિંદ સાવંત

બોમ્બે ડાયમંડ બુર્સમાં યોજાઈ ગયેલી તે બેઠકમાં ભરત શાહે કહ્યું હતું કે દિલ્હીમાં આપણો માણસ જોઈએ. એવો માણસ જોઈએ જેમને આપણે અડધી રાતે પણ જગાડી શકીએ. મિલિંદ એકદમ મુરલીભાઈ જેવા જ છે. એ વિશ્વસનીય છે.

મિલિંદ દેવરાએ આ ઉદ્યોગ મહારથીઓનો આભાર માન્યો છે અને કહ્યું છે કે મુંબઈના આંતરિક જુસ્સાનો જે હિસ્સો ગણાય તે વેપાર-ઉદ્યોગનો અવાજ છેલ્લા પાંચ વર્ષમાં સંસદમાં ગાયબ થઈ ગયો છે. અંબાણી અને કોટક જેવા મહારથીઓએ મને ટેકો આપ્યો છે તેથી હું ગદગદ થઈ ગયો છું. હું જો સંસદમાં ચૂંટાઈશ તો નોકરીઓ માટે અનુકૂળ એવા ઉદ્યોગલક્ષી વાતાવરણનું નિર્માણ કરવાના અને તે દ્વારા સમૃદ્ધિ લાવવાના તમામ પ્રયાસો કરીશ.

httpss://twitter.com/milinddeora/status/1118581093140135936