મુંબઈ – આજે સવારે અહીં અંધેરી સ્ટેશન નજીક ઓવરબ્રિજનો સ્લેબ પાટા પર પડ્યો એને કારણે ખળભળાટ મચી ગયો છે. પરંતુ સદ્દનસીબે એ સ્લેબ કોઈ ટ્રેન ઉપર પડ્યો નહીં એ માટે સૌ ઈશ્વરનો આભાર માને છે, નહીં તો મોટી જાનહાનિ થઈ ગઈ હોત.
આ દુર્ઘટનામાં જાનહાનિ ન થઈ એ માટે એક લોકલ ટ્રેનના મોટરમેન ચંદ્રશેખર સાવંતનો આભાર માનવો પડે, જેમણે પૂલનો સ્લેબ પડી રહ્યો હોવાનું દેખાતાં સમયસૂચકતા વાપરીને ટ્રેનની ઈમરજન્સી બ્રેક મારી દીધી હતી અને ટ્રેન સ્લેબ પડ્યો એનાથી માત્ર 50-60 મીટર દૂરના અંતરે ઊભી રહી ગઈ હતી. એમની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી.
લોકલ ટ્રેન ચલાવવાનો 27 વર્ષનો અનુભવ ધરાવતા સાવંતે કહ્યું કે એમની ટ્રેન બોરીવલી-ચર્ચગેટ સ્લો ટ્રેન હતી. અંધેરી પર સવારે 7.06 વાગ્યે હોલ્ટ કર્યા બાદ એમણે ટ્રેન હજી તો ચાલુ કરી હતી અને ત્યાં જ એમણે બ્રિજ પરથી સ્લેબ પડતો જોયો હતો અને તરત જ ઈમરજન્સી બ્રેક મારી દીધી હતી. એ વખતે ટ્રેનની સ્પીડ કલાકના 45 કિ.મી.ની હતી. એમના આ ત્વરિત નિર્ણયને કારણે અનેક લોકોનાં જાન બચી જવા પામ્યા છે. પોતે આવું કરી શક્યા એ માટે એમણે ઈશ્વરનો પાડ માન્યો છે.
ચંદ્રશેખર સાવંતે જો પાંચ સેકંડ પણ મોડું કર્યું હોત તો ટ્રેન બ્રિજની નીચે આવી ગઈ હોત અને તો એ સ્લેબ ટ્રેનના ડબ્બાઓ પર પડ્યો હોત અને મોટી ખુવારી થઈ જાત.
રેલવે પ્રધાન તરફથી મોટરમેનને પાંચ લાખનું ઈનામ
રેલવે પ્રધાન પીયૂષ ગોયલે સમયસૂચકતા વાપરીને સેંકડો લોકોનો જાન બચાવનાર પશ્ચિમ રેલવેના મોટરમેન ચંદ્રશેખર સાવંતને રૂ. પાંચ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
ગોયલે આજે બપોરે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને દુર્ઘટનામાં ઘાયલ થયેલી પાંચ વ્યક્તિ માટે વળતરની રકમની પણ જાહેરાત કરી છે. ઘાયલ થયેલા દરેક પાંચ જણને 1-1 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવામાં આવશે.
ઘાયલ થયેલી વ્યક્તિઓના નામ છેઃ દ્વારકા પ્રસાદ, ગિંધામી સિંહ, મનોજ મહેતા, હરીશ કોહાટે અને અસ્મિતા કાટકર. આમાં, અસ્મિતા કાટકરની હાલત ગંભીર છે.