મુંબઈમાં એક વધુ રેલવે લાઈન પરના રોડ ઓવરબ્રિજ પર તિરાડો દેખાઈ; પૂલને રીપેર કરાયો

મુંબઈ – અંધેરીમાં ઈસ્ટ-વેસ્ટને જોડતા ગોખલે ઓવરબ્રિજનો એક ભાગ મંગળવારે અંધેરી પ્લેટફાર્મ અને પાટાઓ પર પડતાં જે નુકસાન થયું એના આજે બીજા દિવસે શહેરમાં એક વધુ રેલવે લાઈન પરના ઓવરબ્રિજમાં તિરાડો દેખાતા મહાપાલિકા, પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સતર્ક થઈ ગયા હતા. આ ઓવરબ્રિજ દક્ષિણ મુંબઈમાં ગ્રાન્ટ રોડ સ્ટેશન નજીકનો છે. એની પર ભયજનક તિરાડ પડેલી જોવા મળતાં એ બ્રિજને સવારે જ બંધ કરી દેવામાં આવ્યો હતો અને તાબડતોબ રીપેરકામ શરૂ કરવામાં આવ્યું હતું.

ગ્રાન્ટ રોડ ખાતેના ઓવરબ્રિજ પર રીપેરિંગ પહેલાંની તિરાડ

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ સવારે જ ખાતરી આપી હતી કે આમાં માત્ર બ્રિજના રસ્તા પરની સપાટી પર તિરાડો પડી છે અને એને રીપેર કરવાનું કામ જટિલ કે વધારે સમય માગી લેનારું નથી.

તરત જ આજે દિવસ દરમિયાન પ્રાધાન્ય આપીને બ્રિજ પરના રોડ પરની તિરાડોને પૂરી દેવામાં આવી હતી અને ત્યારબાદ સાંજે બ્રિજને વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, એમ બીએમસી ડિઝાસ્ટર કન્ટ્રોલના એક અધિકારીએ કહ્યું હતું.

આજે સવારે, મુંબઈ ટ્રાફિક પોલીસે એક ટ્વીટને પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, ગ્રાન્ટ રોડ સ્ટેશન ખાતેના બ્રિજ પર તિરાડ પડી છે એટલે ટ્રાફિકને કેનેડી બ્રિજ પરથી નાના ચોક તરફ વાળવામાં આવ્યો છે.

ત્યારબાદ બ્રિજના બંને છેડે ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો અને તાકીદની રીતે રીપેરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બ્રિજને ઓચિંતો બંધ કરી દેવામાં ગ્રાન્ડ રોડમાં અમુક લોકેશન્સ ખાતે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી.

અંધેરીમાં પૂલ દુર્ઘટનાનું દ્રશ્ય

ઉલ્લેખનીય છે કે, અંધેરીના ગોખલે બ્રિજની પગદંડીનો મોટો ભાગ મંગળવારે સવારે લગભગ 7.15 વાગ્યાના સુમારે અંધેરીના પ્લેટફોર્મ નંબર 8-9 પર પડ્યો હતો અને અમુક ભાગ બાજુમાં પાટા પર પડ્યો હતો. એ ઘટનામાં પાંચ જણ ઘાયલ થયા હતા અને પશ્ચિમ લાઈન પર 16 કલાક સુધી ટ્રેનવ્યવહાર અટકી ગયો હતો.

આજે વરસાદ સંબંધિત બનેલા એક અન્ય બનાવમાં, ક્રાફર્ડ માર્કેટ સ્થિત મુંબઈના પોલીસ કમિશનરની ઈમારતમાં આજે બપોરે એક મોટું ઝાડ જમીનદોસ્ત થયું હતું. એની નીચે બે પોલીસ અધિકારીની કાર ચગદાઈ ગઈ હતી. એક અન્ય બનાવમાં, ન્યૂ મરીનલાઈન્સ વિસ્તારમાં પણ એક મોટું ઝાડ રસ્તા પર તૂટી પડ્યું હતું. બંને બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.