મુંબઈ – લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના દક્ષિણ મુંબઈ બેઠક માટેના ઉમેદવાર મિલિંદ દેવરા અને મુંબઈ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ મિલિંદ દેવરાએ પ્રોપર્ટી ટેક્સ ન ભરવાનું મુંબઈગરાંઓને આજે આવાહન કર્યું છે.
દેવરાએ આજે અહીં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે શિવસેના પાર્ટીએ પ્રોપર્ટી ટેક્સ (માલમત્તા કર) માફ કરવાનું વચન આપીને મુંબઈગરાંઓ સાથે છેતરપીંડી કરી છે.
દક્ષિણ મુંબઈ બેઠક પર મિલિંદ દેવરા સામે શિવસેનાએ અરવિંદ સાવંતને ઉમેદવાર ઘોષિત કર્યા છે.
મુંબઈમાં 500 સ્ક્વેર ફૂટ એરિયા સુધીના ઘરો પરનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાના વચન મામલે ભાજપ-શિવસેના યુતી સરકારની ઝાટકણી કાઢતા દેવરાએ કહ્યું કે યુતી સરકાર એના વચનનું પાલન ન કરે ત્યાં સુધી મુંબઈના રહેવાસીઓએ પ્રોપર્ટી ટેક્સ ભરવો ન જોઈએ.
દેવરાએ એમ પણ કહ્યું કે મુંબઈ મહાનગરપાલિકાની આર્થિક હાલત તંદુરસ્ત છે અને તે પ્રોપર્ટી ટેક્સ આસાનીથી માફ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે શિવસેનાએ 2017ના જાન્યુઆરીમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે વચન આપ્યું હતું કે મુંબઈમાં 500 સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયા સુધીના ઘરો પરનો પ્રોપર્ટી ટેક્સ માફ કરશે.
2017ના જુલાઈમાં મહાનગરપાલિકાએ એક ઠરાવ સર્વાનુમતે પાસ કર્યો હતો.
(તસવીરોઃ દીપક ધુરી)