મુંબઈ – અહીંના ઉપનગરોમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડી ગયાની હવામાન વિભાગના મુંબઈ કાર્યાલયે નોંધ લીધી છે. ગઈ આખી રાત ઘણો વરસાદ પડ્યો હતો. આજે વહેલી સવારે પણ ચાલુ હતો, પણ સવારે 7 વાગ્યાથી બંધ થયો હતો તે 9 વાગ્યા સુધી પણ બંધ હતો.
ગઈ કાલે બપોર પછી પડેલા ધોધમાર વરસાદને કારણે સાયન, કિંગસર્કલ, અંધેરી (વીરા દેસાઈ રોડ, સ્ટેશન માર્કેટ વિસ્તાર), માટુંગા સહિત અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકલ ટ્રેન સેવા આજે પણ ધીમી છે. આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે ખાસ કામ હોય તો જ ઘરની બહાર નીકળવું એવી પ્રશાસન તરફથી નાગરિકોને અપીલ કરાઈ છે.
પડોશના થાણે જિલ્લામાં ઉલ્હાસ નદીમાં પૂર આવતાં ડોંબિવલી, કલ્યાણ, ભિવંડી જેવા શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કલ્યાણ તાલુકામાં એક સ્થળે પેટ્રોલ પમ્પમાં છાતીસમાણા પાણી ભરાયાં હતાં. પેટ્રોલ પમ્પમાં કામ કરતા અને આસપાસ રહેનારા લગભગ 150 જણ ફસાઈ ગયા હતા એ તમામને ઉગારી લેવામાં આવ્યા હતા. પેટ્રોલ પમ્પ ખાતે અનેક કાર અને સ્કૂટર-બાઈક્સ પાણીમાં ડૂબી ગયા હતા.
મધ્ય રેલવે વિભાગના બદલાપુર, વાંગણી અંબરનાથ સ્ટેશનો પર પાણી ભરાયા હતા, પાટા સાવ ડૂબાણ હેઠળ જતા રહેતાં ટ્રેનસેવા સ્થગિત કરી દેવી પડી હતી. કલ્યાણ, ડોંબિવલીમાં અનેક રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા.