મુંબઈઃ દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને પશ્ચિમ બંગાળ વચ્ચે એક સમજૂતી કરાર કરવામાં આવ્યો છે, જે હેઠળ રાજ્યના મધ્યમ અને નાના ઉદ્યોગ સાહસો (MSME)માં IPO યંત્રણા NSE ઈમર્જ દ્વારા મૂડી એકત્ર કરવા સંબંધિત જાગૃતિ લાવવા માટેની કામગીરી કરવામાં આવશે. NSE ઈમર્જ એ NSEનું SME પ્લેટફોર્મ છે.
આ સમજૂતી કરાર પર પશ્ચિમ બંગાળ સરકારના MSME અને ટેક્ટાઇલ ખાતાના સ્પેશિયલ સેક્રેટરી દેબાશિષ બંદોપાધ્યાય અને NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે પશ્ચિમ બંગાળ સરકારના ચીફ સેક્રેટરી ડો. એચ.કે. દ્વિવેદી અને NSEના પ્રિન્સિપાલ સેક્રેટરી રાજેશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. સમજૂતી કરાર અનુસાર NSEના પશ્ચિમ બંગાળ સરકારના ટેકા સાથે પરિસંવાદો, માહિતી સત્રો, રોડ શોઝ અને વર્કશોપ્સનું આયોજન કરી MSME’sમાં NSE ઈમર્જ પ્લેટફોર્મ દ્વારા મૂડી એકત્ર કરવા સંબંધિત માહિતીનો પ્રસાર કરશે.
રાજેશ પાંડેએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ અમે MSME ક્ષેત્રના વિકાસ અને સુવિધા માટે અથાક મહેનત કરી રહ્યા છીએ. NSE ઈમર્જ પર લિસ્ટિંગ પ્રાપ્ત કરવાથી MSME તેમના વિકાસ માટે આસાનીથી મૂડી એકત્ર કરી શકશે અને રોકાણકારોના મોટા વર્ગ સમક્ષ પોતાના વેપારની કામગીરી દર્શાવી શકશે.
NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું હતું કે કોલકાતામાં યોજાયેલા બેંગાલ ગ્લોબલ સમિટમાં NSE ઈમર્જ મારફત પશ્ચિમ બંગાળના MSMEને ટેકો પૂરો પાડવા પશ્ચિમ બંગાળ સરકાર સાથે MoU કરવામાં આવ્યો છે, જે હેઠળ SME અસરકારકપણે મૂડી એકત્ર કરી શકે છે અને લિસ્ટિંગ દ્વારા બજારમાં તેમની ઉપસ્થિતિને પ્રબળ બનાવી શકે છે. અમે રાજ્યના MSME’sને NSE ઈમર્જનો લાભ ઉઠાવવા માટેનું આવાહન કરીએ છીએ.
NSEના SME ઈમર્જ પર અત્યારે વિવિધ ક્ષેત્રની 396 કંપનીઓ લિસ્ટેડ છે. તેમણે અત્યાર સુધીમાં રૂ.7800 કરોડ એકત્ર કર્યા છે, જેમનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 94,000 કરોડને પાર કરી ગયું છે. આ પ્લેટફોર્મ પર પશ્ચિમ બંગાળની 16 કંપનીઓ લિસ્ટેડ છે, જેમણે કુલ રૂ. 224.43 કરોડ એકત્ર કર્યા હતા.