નવી દિલ્હી/મુંબઈ – મહારાષ્ટ્રમાં સરકારની રચનામાં અકળાવનારો વિલંબ થયો છે ત્યારે આ વખતની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે ફાયદો મેળવનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે પોતે આજે સાંજે કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીને એમનાં અત્રેના નિવાસસ્થાને જઈને મળ્યા હતા, પરંતુ મહારાષ્ટ્રમાં સરકારની રચના મામલે એમની સાથે ખાસ કોઈ વાતચીત થઈ નહોતી.
જોકે પવારે એમ કહ્યું કે એમણે મહારાષ્ટ્રમાંની રાજકીય પરિસ્થિતિથી આજે સોનિયાને જરૂર વાકેફ કર્યા હતા.
પવારે કહ્યું કે સરકારની રચના બાબતે એમની પાર્ટીને શિવસેના તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. જ્યાં સુધી એમની તરફથી પ્રસ્તાવ ન મળે ત્યાં સુધી આગળ કેવી રીતે વધવું? એવો સામો સવાલ એમણે કર્યો હતો.
આમ, પવારે સરકારની રચના મામલે સસ્પેન્સને હજી ચાલુ રાખ્યું છે.
શું તમને મુખ્ય પ્રધાન પદની ઓફર મળી છે? એવા સવાલના જવાબમાં પવારે કહ્યું કે ‘હું મહારાષ્ટ્રમાં જવાનો નથી.’ આમ કહીને એમણે પોતે મુખ્ય પ્રધાન બનવાના છે એવી ચર્ચાને પૂર્ણવિરામ આપી દીધો છે.
શિવસેના અને ભાજપે આ વખતની વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડી હતી, પરંતુ મુખ્ય પ્રધાન પદના મામલે એમની વચ્ચે સમાધાન થયું નથી. એને કારણે જ રાજ્યમાં સરકારની રચનામાં વિલંબ થયો છે. શિવસેનાની માગણી છે કે ભાજપ 50-50 ફોર્મ્યુલાનું પાલન કરે, જે અનુસાર બંને પક્ષે મુખ્ય પ્રધાન પદ અઢી-અઢી વર્ષ માટે વહેંચી લેવાનું રહેશે. પરંતુ ભાજપ આ ફોર્મ્યુલા સ્વીકારવા તૈયાર નથી.
288-બેઠકોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી વધારે 105 સીટ જીત્યો છે, પણ સ્વબળે સરકાર રચવા માટે એને 40 સીટ ઓછી પડે છે. એના ભાગીદાર શિવસેના પક્ષને 56 સીટ મળી છે. આમ, બંનેને સાથે મળીને બહુમતી જરૂર મળી છે, પરંતુ મુખ્ય પ્રધાન પદના મામલે બંને વચ્ચે ઝઘડો ઊભો થયો છે.
21 ઓક્ટોબરે મતદાન થઈ ગયા બાદ 24મીએ પરિણામ પણ આવી ગયું છે. ભાજપ પહેલા સ્થાને છે, શિવસેના બીજા સ્થાને, રાષ્ટ્રવાદી કોંગ્રેસ 54 સીટ સાથે ત્રીજા નંબરે છે. કોંગ્રેસને ફાળે 44 સીટ આવી છે.
આજે પત્રકારો સાથેની વાતચીતમાં પવારે એમ પણ કહ્યું કે અમારી પાસે સરકાર રચવા જેટલું સંખ્યાબળ નથી. જેની પાસે વધારે સીટ હોય એ સરકાર રચે.