મહારાષ્ટ્રમાં સરકારની રચનામાં થયેલા વિલંબ માટે અમે જવાબદાર નથીઃ શિવસેના

મુંબઈ – શિવસેનાનાં નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉત અને સ્થાનિક નેતા રામદાસ કદમ આજે સાંજે અહીં રાજભવન ખાતે જઈને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને જઈને મળ્યા હતા અને એવી સ્પષ્ટતા કરી દીધી હતી કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ સરકારની રચનામાં થઈ રહેલા વિલંબમાં એમનો કોઈ હાથ નથી કે કોઈ પ્રકારની ભૂમિકા નથી.

રાઉત અને કદમે રાજ્યપાલને કહ્યું કે સરકારની રચનામાં અમારી શિવસેના પાર્ટી કોઈ રીતે અવરોધ ઊભો કરતી નથી.

રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રાઉતે કહ્યું હતું કે અમારી મુલાકાત ઔપચારિક હતી. પરંતુ એક સવાલના જવાબમાં એમણે કબૂલ કર્યું હતું કે કોશિયારી સાથે લગભગ એક કલાક લાંબી બેઠકમાં મહારાષ્ટ્રની હાલની રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા જરૂર થઈ હતી.

રાઉતે પત્રકારોને કહ્યું કે સરકારની રચનામાં થયેલા વિલંબમાં અમે કોઈ રીતે જવાબદાર નથી કે અમે કોઈ રીતે અડચણરૂપ બનતા નથી. અમે તો ઈચ્છીએ છીએ કે જેની પાસે બહુમતી હોય એ સરકાર બનાવે.

દરમિયાન, મહારાષ્ટ્રમાં સરકારની રચનાના સંદર્ભમાં રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં પણ એક ઘટના બની છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર આજે સાંજે કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીને એમનાં નિવાસસ્થાને જઈને મળ્યા હતા.