મુંબઈ – લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે કડક આચારસંહિતા લાગુ કરી દીધી છે. તે અંતર્ગત જાહેર પરિવહનનાં સાધનો, વાહનો પર ક્યાંય પણ કોઈ પણ રાજકીય પાર્ટીનો પ્રચાર કરતા લખાણો કે જાહેરખબરો દેખાવા ન જોઈએ એવી ચૂંટણી પંચે કડક ચેતવણી બહાર પાડી દીધી છે.
આને પગલે મહારાષ્ટ્રનું એસ.ટી. તંત્ર – મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) એકદમ સતર્ક થઈ ગયું છે અને એણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રો-તસવીરો દર્શાવતી જાહેરખબરો એની બસો પરથી તાબડતોબ હટાવી દીધી છે.
એસ.ટી. તંત્રે મહારાષ્ટ્રભરમાં એવી 1,600 બસો પરથી મોદીને દર્શાવતી જાહેરખબરો ભૂંસી નાખી છે.
મતદાનના 7 રાઉન્ડવાળી લોકસભાની ચૂંટણીનો આરંભ 11 એપ્રિલથી થશે, પણ આચારસંહિતાનો આરંભ ગઈ 10 માર્ચથી કરી દેવામાં આવ્યો છે.
એસ.ટી. બસો પરની જાહેરખબરોમાં સરકારે એવો દાવો કર્યો હતો કે ભાજપના પાંચ વર્ષના શાસનમાં મહારાષ્ટ્ર રાજ્યમાં 33 કરોડ ઝાડ રોપવામાં આવ્યા છે.
આચારસંહિતા અનુસાર સરકારની સિદ્ધિઓ દર્શાવતી તમામ જાહેરખબરો દર્શાવવાનું બંધ કરી દેવું પડ્યું છે.
રાજકીય પક્ષો તથા એમના ઉમેદવારોને કહી દેવામાં આવ્યું છે કે એમણે આચારસંહિતાની માર્ગદર્શિકાઓનો કડક રીતે અમલ કરવો નહીં તો એમની સામે ચૂંટણી પંચ કડક રીતે કાર્યવાહી કરશે.