મુંબઈ – મહાનગરમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર અંતને આરે છે. રાજકીય પક્ષોએ પોતપોતાના ચૂંટણીપ્રચારને વેગ આપ્યો છે. તમામ જાતિઓનાં મતદારોને આકર્ષિત કરવા માટે વિરોધ પક્ષ કોંગ્રેસે ખાસ પ્લાન ઘડ્યો છે.
મુંબઈમાં પોતાના ઉમેદવારોનાં પ્રચાર માટે કોંગ્રેસે બોલીવૂડ કલાકારો શત્રુઘ્ન સિન્હા અને શબાના આઝમીને રોક્યાં છે.
અહેવાલ અનુસાર, ભાજપના બળવાખોર સંસદસભ્ય શત્રુઘ્ન સિન્હા, જે હાલમાં જ કોંગ્રેસમાં સામેલ થયા છે, તે મુંબઈ ઉત્તર-પશ્ચિમ મતવિસ્તારમાં સંજય નિરુપમ માટે પ્રચાર કરશે.
જ્યારે અભિનેત્રી શબાના આઝમી મુંબઈ-ઉત્તરમાં ઉર્મિલા માતોંડકર માટે પ્રચાર કરશે. શબાનાએ તાજેતરમાં પણ ઉર્મિલાની એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે દેશના બંધારણને બચાવવા માટે જનતા ઉર્મિલાને વોટ આપે.
કોંગ્રેસે શત્રુઘ્ન સિન્હાને બિહારના પટના-સાહિબ મતવિસ્તારમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સામે પોતાના ઉમેદવાર ઘોષિત કર્યા છે.
મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો માટે ચૂંટણી થઈ રહી છે. એ માટે ચાર તબક્કામાં મતદાન નક્કી કરાયું છે. ત્રણ તબક્કા પૂરા થઈ ગયા છે અને ચોથો તબક્કો 29 એપ્રિલે છે. એ દિવસે મુંબઈની 6 બેઠક સહિત મહારાષ્ટ્રની કુલ 17 બેઠક માટે મતદાન થશે. 23 મેએ મતગણતરી અને પરિણામ છે.