મધ્ય રેલવેનાં લાખો પ્રવાસીઓ પરેશાન; રેલવે પ્રધાન ‘લાલબાગચા રાજા’ના દર્શનમાં વ્યસ્ત

મુંબઈ – એક તરફ આજે આખો દિવસ ભારે વરસાદને કારણે લાખો મુંબઈવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા, ત્યારે બીજી બાજુ, રેલવે પ્રધાન પીયૂષ ગોયલ જાણે કંઈ બન્યું જ નથી એમ લાલબાગ વિસ્તારમાં જઈ ‘લાલબાગચા રાજા’ ગણપતિનાં દર્શન કરવા પહોંચી ગયા હતા.

ગોયલ ભગવાનનાં દર્શન કરવા ગયા એનો વાંધો નહીં, પરંતુ આજે કુદરતી આફતને કારણે કટોકટીભર્યા બની ગયેલા દિવસે મુંબઈના લોકલ ટ્રેન પ્રવાસીઓની હાલત કેવી કફોડી થઈ ગઈ છે એ જાણવાની કે એ વિશે કોઈ પ્રકારની પ્રતિક્રિયા બતાવવાની દરકાર પણ ગોયલે કરી ન હોવાથી લોકો એમનાથી નારાજ છે.

આજે લગભગ 9 કલાકથી મધ્ય રેલવેની ટ્રેન સેવા ઠપ હતી. રાતે 10 વાગ્યે પણ ટ્રેનોનાં ઠેકાણાં નહોતાં.

સીએસએમટી સ્ટેશન પર પ્રવાસીઓની ખૂબ ભીડ જમા થઈ હતી અને આખરે લોકોએ સ્ટેશન માસ્ટરની ઓફિસમાં જઈને એમનો અસંતોષ અને નારાજગી શબ્દોમાં વ્યક્ત કર્યાં હતાં.

પીયૂષ ગોયલ મૂળ મુંબઈના રહેવાસી છે અને ધોધમાર વરસાદ મંગળવાર રાતથી ચાલુ હતો. તે છતાં સવારે પણ એમણે કોઈ ટ્વીટ કરવાની તકલીફ લીધી નહોતી. મુંબઈના હોવા છતાં એમણે મુંબઈગરાંઓની જરાય પરવા કરી નહીં.

મોડી સાંજે અંધેરી અને ઘાટકોપર સ્ટેશનો ખાતે પણ અપાર ગિરદી હતી. અંધેરીથી હાર્બર લાઈન દ્વારા સીએસએમટી તરફ જવા માટે પણ લોકોને છ કલાક જેટલો લાંબો સમય લાગ્યો હતો.