મુંબઈમાં અતિ ભારે વરસાદઃ મધ્ય રેલવે ઠપ, વસઈ-વિરાર વચ્ચે ટ્રેન વ્યવહાર સ્થગિત

મુંબઈ – મુંબઈ શહેર, ઉપનગરો તેમજ આસપાસના જિલ્લાઓમાં ગઈ કાલ રાતથી પડી રહેલા અને આજે સવારથી અતિ ભારે સ્વરૂપ ધારણ કરનાર વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાયા છે.

આ વરસાદને કારણે રસ્તાઓ પર ટ્રાફિકને તેમજ ટ્રેન વ્યવહારને માઠી અસર પડી છે.

મુંબઈ ઉપરાંત પડોશના નવી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓનાં થાણે શહેર, ડોંબિવલી, ભિવંડી, નાલાસોપારા, વિરાર, વસઈ, પનવેલમાં પણ અત્યંત ધોધમાર અને સતત વરસાદ પડ્યો છે અને આ લખાય છે ત્યારે બપોરે અઢી વાગ્યે પણ ચાલુ જ હતો.

ગણપતિ બાપાના આગમનની સાથે વરુણદેવે શહેરમાં ધમાકેદાર પુનરાગમન કર્યું છે.

નાલાસોપારા રેલવે સ્ટેશને પાટા પર પાણી ભરાતાં વસઈ અને વિરાર વચ્ચે ટ્રેન સેવા બંધ રાખવામાં આવી છે.

વસઈથી ચર્ચગેટ વચ્ચેની ટ્રેનો અડધો કલાક મોડી દોડી રહી છે.

મધ્ય રેલવે વિભાગ પર, માટુંગા અને સાયન સ્ટેશનો વચ્ચે પાટા પર પાણી ભરાયાં છે. એને કારણે અપ અને ડાઉન, બંને માર્ગ પર ફાસ્ટ ટ્રેક પર ટ્રેનો બંધ છે.

વિક્રોલી, કાંજૂરમાર્ગ, કુર્લા સ્ટેશનો પાસે ખૂબ પાણી ભરાયા છે. આને કારણે અપ અને ડાઉન, તેમજ સ્લો અને ફાસ્ટ, બંને લાઈન પર ટ્રેન સેવા બંધ છે. થાણે અને કર્જત/કસારા વચ્ચે ટ્રેનો ચાલુ છે.

હાર્બર રેલવે માર્ગ પર કુર્લા અને ચુનાભટ્ટી સ્ટેશનો પાસે મુસળધાર વરસાદને કારણે પાણી ભરાયાં છે અને ટ્રેનો અટકી ગઈ છે.

સીએસએમટી અને અંધેરી/ગોરેગાંવ વચ્ચે હાર્બર ટ્રેન સેવા ચાલુ છે. એવી જ રીતે, વાશી-પનવેલ વચ્ચે ટ્રાન્સહાર્બર ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. ટ્રેનો ન આવતાં અનેક સ્ટેશનો પર પ્રવાસીઓ અટવાઈ ગયાં છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા બે દિવસ મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં મુસળધાર વરસાદ પડી શકે છે.

મુંબઈ, થાણે, પાલઘર, રાયગડ માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ ચેતવણી ઘોષિત કરવામાં આવી છે. આજે શરૂઆતમાં આ એલર્ટ ઓરેન્જ હતું, પણ હવે તે વધારીને રેડ કર્યું છે.

ભારે વરસાદને કારણે મુંબઈમાં ‘બેસ્ટ’ કંપનીની બસ સેવાને પણ ઘણી માઠી અસર પડી છે. અનેક રૂટ પર બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.

મુંબઈ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ઘરની બહાર નીકળવામાં ખૂબ જ સાવધાની રાખે. તાકીદની પરિસ્થિતિ વખતે 100 નંબર પર ફોન કરીને મદદ મેળવી શકે છે.

પોલીસના જણાવ્યા મુજબ, મુંબઈમાં અનેક મોટા માર્ગો પરના જંક્શન ખાતે પાણી ભરાતાં ટ્રાફિક અવરોધાયો છે. આમાં, અમૃતનગર જંક્શન, ગાંધીનગર (ઘાટકોપર), સાકીનાકા જંક્શન (અંધેરી-ઈસ્ટ), સોનાપુર જંક્શન (મુલુંડ), નેતાજી પાલકર ચોક (અંધેરી), અંધેરી સબવે, ચિંચોલી બંદર રોડ-ન્યૂ લિન્ક રોડ (મલાડ), શિવાજી ચોક (એન્ટોપ હિલ), વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, મેટ્રો સ્ટેશન, મિલન સબવે (સાંતાક્રૂઝ), પોઈસર સબવે, હિંદમાતા જંક્શન, દાદર ટી.ટી. સર્કલ, મઝગાંવ ડોક્યાર્ડ જંક્શન, સૂર્વે જંક્શન (કુર્લા) વગેરેનો સમાવેશ થાય છે.

(નીચેનો વિડિયો પાલઘર જિલ્લાના નાલાસોપારા સ્ટેશનનો છે)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]