મહારાષ્ટ્રમાં પાંચ મહિનામાં જ 21 લાખ નવા મતદારોનાં નામ નોંધાયા

મુંબઈ – મહારાષ્ટ્રમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી આડે હવે જૂજ મહિના બાકી છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચે આદરેલી મતદાર નામ નોંધણી ઝુંબેશને રાજ્યભરમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે. 288-સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવતા ઓક્ટોબર મહિનામાં નિર્ધારિત છે.

તે અંતર્ગત છેલ્લા પાંચ મહિનામાં જ આશરે 21 લાખ નવા મતદારોની નોંધ મતદારયાદીમાં થઈ છે. મતદારયાદીમાં આ નવા લોકો લોકસભાની ચૂંટણી પછીના મહિનાઓમાં ઉમેરાયા છે.

આમાં વિશેષતા એ છે કે આ વખતે મતદાર યાદીમાં મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતાં વધારે છે.

એક સરખામણી કરીએ તો નવા મતદારોમાં પુરુષ મતદારોની સંખ્યા 10.4 લાખ છે તો મહિલા મતદારોની સંખ્યા 10.8 લાખ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, નવા નોંધાયેલા મતદારોની સાથે મહારાષ્ટ્રમાં કુલ મતદારોની સંખ્યા હવે 8 કરોડ 90 લાખ થઈ છે.

2011માં કરવામાં આવેલી વસ્તી ગણતરી અનુસાર, મહારાષ્ટ્રમાં કુલ વસ્તીની સરખામણીમાં મતદારોની સંખ્યા 79% જેટલી છે.

રાજ્યમાં કુલ પુરુષ મતદારોની સંખ્યા 4.7 કરોડ છે તો મહિલા મતદારોની સંખ્યા 4.3 કરોડ છે.

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ગઈ 1 ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદીમાં નવા નામ નોંધવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

રાજ્યના ચૂંટણી પંચે સાત મહિનામાં આટલા બધા નવા મતદારોની થયેલી નોંધણી માટેનો શ્રેય તરુણ વયનાં લોકોને આપ્યો છે. નવા મતદારોમાં તરુણ-તરુણીઓનાં સમાવેશ મોટા પાયે થયો છે.

2014ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં 31 ઓગસ્ટ સુધીમાં મતદાર યાદીમાં આશરે 59 લાખ મતદારોની સંખ્યા વધી છે. 2014માં મતદારોની સંખ્યા કુલ 8 કરોડ 40 લાખ હતી. એમાં પુરુષ મતદારો 4 કરોડ 40 લાખ હતા અને મહિલા મતદારો 3 કરોડ 90 લાખ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]