દિવ્યાંગો માટે કાર્યરત ‘અડેપ્ટ’ સંસ્થાની સુવર્ણજયંતીની મુંબઈમાં ઊજવણી

મુંબઈઃ ‘અડેપ્ટ’ સંસ્થાએ પોતાની સુવર્ણજયંતીની ઊજવણી માટે બીજી ઑક્ટોબરે મુંબઈના નરિમાન પોઇન્ટ ખાતે એનસીપીએમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ જ દિવસે ડૉ. મીઠુ અલૂરે પંગુતા યા દિવ્યાંગ લોકોને સહાયરૂપ થવાના મિશનનો પ્રારંભ કર્યો હતો. અગાઉ સ્પાસ્ટિક સોસાયટી ઑફ ઇન્ડિયાના નામે ઓળખાતી આ સંસ્થાના તેઓ સ્થાપક ચેરપર્સન છે.

અડેપ્ટ સંસ્થા પંગુતા ધરાવતા લોકોની સુશ્રુષા, સારવાર, શિક્ષણ, કૌશલ્ય, રોજગાર અને પુનઃવસન માટે કામ કરે છે. દિવ્યાંગો સમાજના મુખ્ય પ્રવાહમાં ભળે એવો સંસ્થાનો ઉદ્દેશ્ય છે. ડૉ. અલુરને એમના આ ઉમદા કાર્ય બદલ પદ્મશ્રી એનાયત થઈ ચૂક્યો છે.

સુવર્ણજયંતીના કાર્યક્રમમાં એઇમ્સ, ઋષિકેશના પ્રમુખ ડૉ. સમીરન નંદી, મુંબઈના જાણીતા ફિઝિશિયન ડૉ. ફારુખ ઉદવાડિયા, રઇલ પદમશી, પ્રિયા દત્ત, દિયા મિર્ઝા, ડૉ. ફ્રાન્સીસ મૂર તથા યુકેની વિમેન્સ કાઉન્સિલના રેચેલ ટેઇન્સ ઉપસ્થિત રહેશે. નૃત્યાંગના અનુશ્રી બેનર્જી અને અડેપ્ટના વિદ્યાર્થીઓ નૃત્ય કાર્યક્રમ રજૂ કરશે. આગામી થોડા મહિનાઓ સુધી આ વિષયના  વિવિધ પાસાં બાબતે જાગરૂકતા ફેલાવવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, એમ અડેપ્ટની એક અખબારી યાદીમાં જણાવાયું છે.