(કેતન ત્રિવેદી)
‘અ વન્ડરફૂલ વર્લ્ડ… એ જોઇ શકાય છે જે હમણાં સુધી જોઇ શકાતું નહોતું…. આ રંગો, આ આકાર.. લાઇફ ચેન્જિંગ એક્સપિરિયન્સ… ઉંમરના કારણે શારિરીક તકલીફો હોવા છતાં મોતિયો દૂર કરીને ડો. હિમાંશુ મહેતાએ આ અનુભવ કરાવ્યો છે…. સર્જરી પછીની રિકવરી ચાલુ છે…’
(તસવીર અમિતાભ બચ્ચનના ટિવટર એકાઉન્ટ પરથી)
પોતાની વાત બ્લોગ કે ટિવટર પર નિયમિત રીતે શેર કરતા રહેતા બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને 14 માર્ચના રોજ લખેલા બ્લોગમાં આ મતલબનું લખીને પોતે બન્ને આંખમાં મોતિયાની સર્જરી સફળતાપૂર્વક કરાવી હોવાની વાત શેર કરી છે. એ વાત જૂદી છે કે, સિનિયર બચ્ચને ગઇ 27 ફેબ્રુઆરીના રોજ પોતે બીમાર છે, સર્જરી કરાવવી પડશે એવું લખીને ચાહકોના શ્વાસ થોડીકવાર અધ્ધર કરી દીધા હતા.
હકીકતમાં મહાનાયકની આ સર્જરી એટલે મોતિયાની સર્જરી અને આ સર્જરી સફળતાપૂર્વક કરનાર તબીબ છે મુંબઇસ્થિત સુપ્રસિધ્ધ આઇ-સર્જન ડો. હિમાંશુ મહેતા. ડો. હિમાંશુભાઇએ મુંબઇના જૂહુસ્થિત એમના ધ વિઝન આઇ સેન્ટર ખાતે 27 ફેબ્રુઆરી તેમજ 13 માર્ચના દિવસે એક પછી એક એમ સિનિયર બચ્ચનની બન્ને આંખમાં આ સર્જરી કરી હતી.
(ડો. હિમાંશુ મહેતા)
ગુજરાતીઓને એ જાણીને પણ આનંદ થશે કે, આ મહાનાયકની આંખની સર્જરી કરનાર એક ગુજરાતી તબીબ છે. આઇ-સર્જન તરીકે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીસ્તરે નામના ધરાવનાર ડો. હિમાંશુભાઇ વિવિધ ક્ષેત્રના ટોચના લોકોની સારવાર કરતા આવ્યા છે અને બોલીવુડના આ પ્રથમ ફેમીલી માટે તો એ ફેમીલી સર્જન છે. અમિતાભ અને જયા બચ્ચન સહિત આખા બચ્ચન પરિવાર સાથે બે દાયકા કરતાંય વધારે સમયથી ઘરોબો ધરાવનાર આ તબીબ આંખની સારવારને લાગેવળગે છે ત્યાં સુધી બચ્ચન પરિવારનો સંપૂર્ણ ભરોસો ધરાવે છે. એમની ઘણી ફિલ્મોના પ્રિમિયર શો એમની સાથે બેસીને એમણે જોયા છે. અત્યાધિક લોકપ્રિય ટેલિવિઝન શો કૌન બનેગા કરોડપતિની શૂટીંગ વખતે સિનિયર બચ્ચનને પહેરવાના લેન્સ પણ એમના જ માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા.
અલબત્ત, આ બધું હોવા છતાંય સર્જરી જ્યારે અમિતાભ બચ્ચન જેવા મિલેનિયમના મહાનાયકની હોય ત્યારે કોઇપણ તબીબ માટે આ સ્થિતિ પડકારજનક જ હોવાની. એક તો, સતત શૂટીંગની વ્યસ્તતા અને ગયા વર્ષે કોરોનાના સંજોગોના કારણે મોતિયાની સર્જરી થોડીક લંબાતી જતી હતી. બીજું, અનેક પ્રકારની વ્યાધિથી પીડાતા અમિતાભ બચ્ચનની ઉંમરના કારણે સોફ્ટ ટિસ્યુથી લઇને નાનીમોટી અનેક બાબતોની વિશેષ કાળજી લેવાની હતી. એક નાનકડી સરખી ચૂક પણ મોટું જોખમ પેદા કરી શકે અને આ તો અમિતાભ બચ્ચન પર જોખમ એટલે…
ચિત્રલેખા.કોમ સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં ડો. હિમાંશુ મહેતા એ પણ નિખાલસતાથી સ્વીકારે છે કે, કોઇપણ વીઆઇપીની સર્જરી હોય ત્યારે એમાં ભૂલને સહેજપણ અવકાશ ન રહેવા દેવાનું માનસિક દબાણ તો કોઇપણ તબીબ પર હોય જ. એમાંય આ તો વીવીઆઇપી પેશન્ટ હતા એટલે સ્વાભાવિક એમના પર ય માનસિક દબાણ તો હતું જ. બેશક, એ પોતે આખની સારવારમાં અત્યાધુનિક મેડીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરતા જ હોય છે, પણ આ કિસ્સામાં ટેકનોલોજી ઉપરાંત એક વીવીઆઇપી ફેક્ટર પણ હતું, જે ધ્યાનમાં લેવાનું હતું.
પરંતુ, ડો. હિમાંશુભાઇ ઉમેરે છે કે, ‘એક પેશન્ટ તરીકે બચ્ચનજી અત્યંત સહકાર આપે છે. ખૂબ વિનમ્રપણે તમારી સાથે વર્તે અને એમના વર્તનમાં ક્યાંય ઇગો ન હોય. આટલી શારિરીક તકલીફો હોવા છતાં એમનો આત્મવિશ્વાસ ગજબનો છે. લગભગ પિસ્તાલીસેક મિનીટ ચાલેલી સર્જરી દરમ્યાન એમણે ખૂબ જ શાંતિથી, સેલેબ્રિટી હોવાના કોઇ ભાર વિના સહકાર આપ્યો. પરિણામે અમારું કામ ઘણું આસાન થઇ ગયું.’
સર્જરી વખતનો અનુભવ કેવો રહ્યો?
જવાબમાં ડો. હિમાંશુભાઇ કહે છે, ‘એકદમ સરસ. બચ્ચનજી આમ તો ખૂબ નિખાલસ અને વિનમ્ર છે. એમની વાતચીતમાં કૂતુહલતા પણ હોય. કઇ ટેકનોલોજીથી સર્જરી થશે, કેટલા દિવસ પછી પોતે બ્લોગ લખી શકશે કે ટિવટ કરી શકશે એવું બધું ય નિર્દોષતાથી પૂછે. ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન ય કરે.’
(તસવીર અમિતાભ બચ્ચનના બ્લોગ પરથી)
શૂટીંગના સેટ પર નિયમિત હાજર રહેવા ટેવાયેલા આ શહેનશાહે સર્જરીના દિવસે પણ નિયત સમય પહેલાં જ હાજર થઇને 79 વર્ષની ઉંમરે પણ પોતાની શિસ્તનો પરિચય કરાવ્યો હતો.
ડો. હિમાંશુભાઇ કહે છે એમ, ‘આટલી મોટી લોકપ્રિયતા મેળવવા છતાંય સિનિયર બચ્ચન સ્વભાવે અત્યંત સૌજન્યશીલ અને વિનમ્ર છે. એમના માતા તેજી બચ્ચનની સારવાર માટે એ એમના ઘરે જતા ત્યારે વળતી વખતે ખુદ બચ્ચન પોતે બેગ ઉંચકીને ઘરના દરવાજા સુધી વળાવવા આવતા…’
યસ, એમની આ વાતની પ્રતીતિ તો સિનિયર બચ્ચનના ચાહકોને એમના બ્લોગ કે ટિવટર પરના લખાણોમાંય થતી હોય છે.
(પૂરક તસવીરોઃ ડો. હિમાંશુ મહેતાના સૌજન્યથી)