મુંબઈઃ આ મહાનગરમાં પ્રવેશવા માટે પાંચ એન્ટ્રી પોઈન્ટ્સ છે. આજથી આ તમામ ચેક નાકાઓ ખાતેથી શહેરમાં એન્ટ્રી કરનાર અને શહેરમાંથી બહાર જનાર વાહનચાલકો પાસેથી વસૂલ કરાતા ટોલની રકમમાં 12.50 ટકાથી લઈને 18.75 ટકા સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે. નવા દરો આજે 1 ઓક્ટોબરથી અમલમાં આવી ગયા છે. મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન-MSRDC) પાંચેય ટોલ-નાકાઓ પરના દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નિયમાનુસાર, દર ત્રણ વર્ષે ટોલ-નાકાના દર વધારવાની પરવાનગી છે.
આ છે, મુંબઈના પાંચ ટોલ નાકા: દહિસર (મુંબઈ-અમદાવાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે), લાલબહાદુર શાસ્ત્રી (એલબીએસ) રોડ, મુલુંડ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, મુલુંડ, ઐરોલી ખાડી પૂલ અને વાશી.
શું છે ટોલના નવા દર?
અગાઉ ફોર-વ્હીલર (કાર, જીપ) વાહનો માટે રૂ. 40નો ટોલ ભરવો પડતો હતો, તે હવે રૂ. 45 કરાયો છે. મિની બસ, મધ્યમ કદના વાહનોને મુંબઈમાં પ્રવેશ કરવા દેવા માટે રૂ. 65ને બદલે રૂ. 75 ભરવા પડશે. ટ્રક અથવા બસ માટેના ટોલ ચાર્જિસમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે આને માટે રૂ. 150 ચૂકવવા પડશે. હેવી વાહનો માટે અગાઉ રૂ. 160નો ટોલ ભરવાનો આવતો હતો, તેમાં 30 રૂપિયા વધારવામાં આવતાં રૂ. 190નો નવો ટોલ થયો છે. માસિક પાસનો દર રૂ. 1,600 થયો છે. આમાં 100 રૂપિયાનો વધારો કરાયો છે.