મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રેશનકાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. એમને રેશનિંગમાં મળતી ચીજવસ્તુઓમાં બેનો ઉમેરો કરવામાં આવ્યો છે. એમને અનાજ અને તેલ ઉપરાંત હવે મેંદાનો લોટ અને પૌઆ (પોહા) પણ મળશે. રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર તરફથી ગુડી પાડવા, ગણેશોત્સવ અને દિવાળીના તહેવારોમાં રેશનકાર્ડ ધારકોને આનંદદાયક રેશન આપવામાં આવે છે. આમાં એમને એક કિલો રવો, એક કિલો ચણાદાળ, એક કિલો સાકર અને એક કિલો તેલ મળે છે. જરૂરિયાતમંદ લોકોને આ ચીજવસ્તુઓ માત્ર 100 રૂપિયામાં મળે છે. હવે એમાં બે વધુ ચીજનો ઉમેરો કરાયો છે. મહારાષ્ટ્રમાં ઘેર-ઘેર ખવાતા પૌઆ પણ રેશનિંગમાં મળશે. એની સાથે મેંદો પણ આપવામાં આવશે. દિવાળીના તહેવારમાં ગૃહિણીઓ જુદા જુદા પ્રકારની ફરાળી વાનગીઓ બનાવે છે. એમાં મેંદાના લોટનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાય છે. એવી જ રીતે, પૌઆનો ઉપયોગ ચિવડો બનાવવા માટે કરાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે રેશનિંગમાં આ બે ચીજનો ઉમેરો કર્યો છે.
