મુંબઈ – કેન્દ્રમાં અને મહારાષ્ટ્ર રાજ્યમાં સરકારમાં ભારતીય જનતા પાર્ટી સાથે સહયોગ કરનાર શિવસેના પાર્ટી વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વખતથી વણસી ગયા છે. બંને પાર્ટીના નેતાઓ અમુક એવા નિવેદનો કરી રહ્યા છે કે જેથી મતદારો મુંઝાઈ રહ્યા છે કે આ બેઉ પક્ષ વચ્ચે દોસ્તી રહેશે કે તૂટી જશે.
આજે મહારાષ્ટ્રના જાલના શહેરમાં મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે એક સમારંભમાં કહ્યું કે આગામી ચૂંટણીઓમાં જે આવશે એમને સાથે લઈશું અને જે આવશે નહીં એમના સિવાય લડીશું.
દેખીતી રીતે જ ફડણવીસની આ ટકોર શિવસેના વિશેની હતી.
ફડણવીસે કહ્યું કે દેશમાં નરેન્દ્ર મોદીની સરકારને ફરી ચૂંટી કાઢ્યા સિવાય જનતા નિરાંતે બેસવાની નથી. શિવસેના સાથે જોડાણ કરવાનું ભાજપ ઈચ્છે છે, પણ જોડાણ કરવા માટે અમે લાચાર નથી. અમે ઈચ્છીએ છીએ કે આ બે પક્ષની યુતી હિન્દુત્વનું રક્ષક બને અને ભ્રષ્ટાચારના દૂષણ વિરુદ્ધ મજબૂત બળ બની રહે.
ભાજપની કાર્યસમિતિએ જાલના શહેરમાં એક બેઠકનું આયોજન કર્યું હતું. એમાં ફડણવીસે સંબોધન કર્યું હતું.
એમણે કહ્યું કે આ દેશમાં નરેન્દ્ર મોદી એક માત્ર એવા વ્યક્તિ છે જે પૂર્વથી પશ્ચિમ અને દક્ષિણથી ઉત્તર સુધી, જે કોઈ સ્થળે ગયા, એમની સભામાં એમને સાંભળવા માટે લોકો લાખોની સંખ્યામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં અમે જ મોટા ભાઈ છીએઃ સંજય રાઉત (શિવસેના)
દરમિયાન મુંબઈમાં, શિવસેનાનાં રાજ્યસભાના સદસ્ય તથા વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં આજ સુધી શિવસેના જ મોટો ભાઈ રહ્યો છે અને હજી પણ એ જ મોટો ભાઈ રહેશે. ભાજપ તરફથી અમને કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ આવ્યો નથી. પ્રસ્તાવ આવ્યો હોવાની માત્ર અફવા છે. અમે એકલે હાથે ચૂંટણી લડવા સમર્થ છીએ, એવી સ્પષ્ટતા રાઉતે કરી છે.
રાઉતે વધુમાં કહ્યું કે શિવસેનાની આજની બેઠકમાં અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમ કે, દુકાળની પરિસ્થિતિ, આવકવેરામાં માફીની મર્યાદા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આવકવેરા મુક્તિમર્યાદા પણ આઠ લાખ રૂપિયા સુધીની કરવી જોઈએ.
મુંબઈમાં લોકસભાની બેઠકો સાથે મળીને લડવા અને 50-50 ટકા બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાની ભાજપ ઓફર કરી હોવાના અહેવાલોને રાઉતે અફવા તરીકે ગણાવ્યા છે.
દરમિયાન, ચૂંટણી ભાજપ સાથે મળીને લડવા માટે શિવસેનાનાં નેતાઓને સમજાવવા માટે ભાજપના પ્રમુખ અમિત શાહે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરને જવાબદારી સોંપી હોવાનો અહેવાલ છે.
હવે જાવડેકર મુંબઈ આવીને ચૂંટણીમાં બેઠકોની વહેંચણી કરવાના મામલે શિવસેનાની નેતાગીરી સાથે ચર્ચા કરશે.