મુંબઈઃ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં બર્ડ ફ્લૂ રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. મહારાષ્ટ્રમાં આ ચેપી બીમારીને કારણે મરઘાં સહિત વધુ 983 પક્ષીઓનાં મરણ નિપજ્યા હતા. આ મૃત પક્ષીઓનાં નમૂના તબીબી ચકાસણી માટે રાષ્ટ્રીય સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં બર્ડ ફ્લૂથી પક્ષીઓનાં મરણનો આંકડો વધીને 5,151 થયો છે. રાજ્યમાં 9 જિલ્લાઓમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે.
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જણાવ્યાનુસાર, સૌથી વધુ મરણ લાતુર જિલ્લાના પક્ષીઉછેર કેન્દ્રોમાં થયા છે. ત્યાં અત્યાર સુધીમાં 253 પક્ષીઓના મરણ થયા છે. તે પછીના નંબરે આ જિલ્લાઓ આવે છેઃ યવતમાળ (205), એહમદનગર (151), વર્ધા (109), નાગપુર (45), ગોંદિયા (23). તે ઉપરાંત પુણે, પરભણી, ઉસ્માનાબાદ, બીડ, નાંદેડ, સોલાપુર, રાયગઢ જિલ્લાઓમાં પણ બીમારીને કારણે પક્ષીઓના મરણના સમાચાર છે. અનેક રાજ્યોમાં ચેપગ્રસ્ત પક્ષીઓને મારી નાખવામાં આવી રહ્યા છે.