મુંબઈ – મહારાષ્ટ્ર સરકાર જો ઉબર અને ઓલા કંપનીઓને કાયદાની મર્યાદાની અંદર નહીં લાવે તો આંદોલન પર ઉતરવાની ઓટોરિક્ષા ચાલકોનાં યુનિયનોએ ચેતવણી આપી છે.
ઉબર કંપનીએ ઓટોરિક્ષાઓનો ઉપયોગ કરવા માટે એક પ્રચાર શરૂ કરતાં આ વિવાદ સર્જાયો છે અને એને પગલે હડતાળની ધમકી આવી છે. કારણ કે, અત્યાર સુધી ઉબર કંપની માત્ર નેશનલ પરમીટ હોય એવી જ ઓટોરિક્ષા સેવા મુંબઈમાં પૂરી પાડે છે.
મુંબઈ ઓટોરિક્ષામેન્સ યુનિયનના પ્રમુખ શશાંક રાવે કહ્યું છે કે રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે છેલ્લા ત્રણ વર્ષથી ઓટોરિક્ષા અને ટેક્સીનાં ભાડાં વધારવા દીધાં નથી, જ્યારે બીજી બાજુ મોબાઈલ એપ આધારિત ડ્રાઈવરોને વધારે ચાર્જ વસુલ કરવાની પરવાનગી આપી છે. જો સરકાર ત્વરિત પગલું નહીં ભરે તો અમે આંદોલન પર ઊતરીશું.
ઉલ્લેખનીય છે કે કોઈ ચોક્કસ રૂટ માટેનું ભાડું રૂ. 40 છે, પણ જો કોઈ મોબાઈલ એપ પરથી ટેક્સી બુક કરાવે તો એણે 70 રૂપિયા ચૂકવવા પડે છે. આ ભાડાવધારો બુકિંગ કરવાના સમય પર આધારિત રૂ. પાંચથી લઈને 50 રૂપિયા સુધીનો લેવામાં આવે છે, એવો દાવો યુનિયને કર્યો છે.
રાવ અને એમના યુનિયને દાવો કર્યો છે કે એમણે અગાઉ પણ આ બાબતમાં ટ્રાન્સપોર્ટ વિભાગને પત્રો લખ્યા હતા, પણ હવે અમે પત્ર લખીને કહ્યું છે કે તમે એગ્રીગેટર્સ સામે પગલું ભરો.
મુંબઈ રિક્ષામેન્સ યુનિયનનાં પ્રમુખ થામ્પી કુરિયને કહ્યું છે કે, લોકોને ખબર પડવી જોઈએ કે એપ્લિકેશન મારફત બુક કરાવાતી ઓટોરિક્ષા માટે એમની પાસેથી શા માટે વધારે ચાર્જ વસુલ કરવામાં આવે છે. અમે આ એગ્રીગેટર્સને સ્પષ્ટપણે જણાવ્યું છે કે સરકાર મંજૂર ન કરે ત્યાં સુધી તમારે વધારે ભાડું વસુલ કરવું નહીં. અમારાં સભ્ય રિક્ષાચાલકો એવી એપ્સનાં પ્લેટફોર્મ નહીં જોડાય.
ઉબર કંપનીના એક પ્રવક્તાએ કહ્યું છે કે અમે 2018ના જૂન મહિનામાં મુંબઈમાં ‘ઉબરઓટો’ સેવા લોન્ચ કરી હતી.