મુંબઈ મેટ્રો વનના પ્રવાસીઓ માટે 1 ફેબ્રુઆરીથી ‘ઈન્સ્ટન્ટ કેશબેક યોજના’

મુંબઈ – મહાનગરમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સંચાલિત ‘મુંબઈ મેટ્રો વન’ તેના પ્રવાસીઓ માટે 1 ફેબ્રુઆરીથી શરૂ કરવાની છે એક ખાસ યોજના – ‘ઈન્સ્ટન્ટ કેશબેક સ્કીમ’.

મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરવા માટે વધુ લોકોને આકર્ષિત કરવા માટે ગ્રાહકોને વળતર આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવનાર છે.

મુંબઈમાં ઘાટકોપર અને વર્સોવા (અંધેરી) વચ્ચે 2014ના જૂન મહિનાથી મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે.

મુંબઈ મેટ્રો વન દ્વારા પ્રવાસીઓ પાસેથી રૂ. 10, 20, 30 અને 40નું બેઝ ભાડું વસુલ કરવામાં આવે છે.

આ ત્રણ બેઝ ભાડાં ઉપરાંત મુંબઈ મેટ્રો તેના પ્રવાસીઓને વધુ ત્રણ ટિકિટ પ્રોડક્ટ પણ ઓફર કરે છેઃ સ્ટોર વેલ્યૂ પાસ (SVP), રિટર્ન જર્ની ટોકન (RJT) અને મન્થલી ટ્રિપ પાસ (MTP).

લોકો મેટ્રો ટ્રેન પ્રવાસ કરવાનું વધારે એ માટે કંપનીએ વિવિધ વર્ગનાં ભાડા રાખ્યા છે. આ બધામાં SVP પ્રવાસીઓમાં વધારે માનીતું છે. કારણ કે, એમાં પ્રવાસી કોઈ પણ સ્ટેશનેથી કોઈ પણ સ્ટેશને જવા માટે પ્રવાસ કરી શકે છે. જે બેલેન્સ રકમ રહે એનું રીફંડ પણ મળે છે. દરરોજ ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભાં રહેવું પડતું નથી. તે કોઈ પણ સ્ટેશનેથી રીચાર્જ કરાવી શકાય છે.

હાલ મુંબઈ મેટ્રોના એક-તૃતિયાંશ ભાગનાં લોકો SVPનો ઉપયોગ કરીને પ્રવાસ કરે છે. કંપનીને સૌથી વધુ આવક SVP યોજનાથી થાય છે.

હવે વધુ લોકો SVPનો લાભ લે એ માટે મુંબઈ મેટ્રો વન આવતી 1 ફેબ્રુઆરીથી ઈન્સ્ટન્ટ કેશબેક યોજના પણ શરૂ કરવાની છે. એને કારણે પ્રવાસીઓ ઊંચી રકમનું રીચાર્જ કરાવવા પ્રેરિત થશે. પ્રવાસીઓને રૂ. 200થી લઈને રૂ. 600 અને તેનાથી પણ વધુની કિંમતના રીચાર્જ માટે બે ટકાથી લઈને 10 ટકા સુધીની કેશબેક સુવિધા મળશે.

પ્રવાસીઓનાં લાભ માટે ઈન્સ્ટન્ટ કેશબેક સુવિધા શરૂ કરનાર મુંબઈ મેટ્રો દેશની પહેલી જ મેટ્રો સર્વિસ છે.

મતલબ કે, પ્રવાસીઓને રીચાર્જ કરવાની સાથે જ કેશબેક લાભ મળશે.

અગાઉ, જે લોકો ટૂંકા અંતરનો (0-2 કિ.મી. સ્લેબ) મેટ્રો ટ્રેન પ્રવાસ કરતા હતા એમને આ સુવિધા મળતી નહોતી. પણ હવે તમામ પ્રવાસીઓને કેશબેક સુવિધાનો લાભ મળશે.

પોતે કેટલી કેશબેક રકમની કમાણી કરી છે એ હવે પ્રવાસીઓ મેટ્રો દ્વારા પ્રવાસ કરતી વખતે આસાનીથી જાણી શકશે.

કેશબેકની વેલિડિટી લાંબા સમયની રહેશે. દરેક રીચાર્જ વખતે તે 6 મહિના (180 દિવસ) સુધી રીન્યૂ કરાવી શકાશે.

સિંગલ જર્ની ટોકન માટે બેઝ ભાડું રૂ. 10, 20, 30 અને 40નું યથાવત્ રખાયું છે અને SVP પર કેશબેક સુવિધા શરૂ થતાં MTPની કિંમતમાં સહેજ વધારો કરાયો છે, જેમ કે 45 ટ્રિપ્સ માટે રૂ. 25થી રૂ. 50.

મુંબઈ મેટ્રો વન પ્રોજેક્ટના પ્રવક્તાનું કહેવું છે કે પ્રવાસીઓ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરે અને કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થાય એવું અમે ઈચ્છીએ છીએ.