નવી ફોર્મ્યુલા? શિવસેના-NCPના CM અઢી-અઢી વર્ષ; નાયબ CM કોંગ્રેસના?

મુંબઈ – મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારની રચનામાં અવરોધ હજી પણ યથાવત્ છે. શિવસેના અને કોંગ્રેસ-એનસીપી વચ્ચે સત્તાની વહેંચણીના મામલે ચર્ચા ચાલુ છે. જે મુદ્દે શિવસેના અને ભાજપ વચ્ચે ઝઘડો થયો હતો તે 50-50 ફોર્મ્યુલા પર હવે શિવસેના અને કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે ચર્ચા જામી છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે આજે સવારથી અહીંની ફાઈવ સ્ટાર ટ્રાઈડેન્ટ હોટેલ ખાતે દીર્ઘ મંત્રણા કરવામાં આવી છે. આ ચર્ચાના કેન્દ્રમાં સરકારની રચનામાં કોંગ્રેસના સહયોગી પક્ષ એનસીપીની ભૂમિકા હતી.

એક અહેવાલ મુજબ, સરકાર બનાવવા માટે એક નવી ફોર્મ્યુલા પર ચર્ચા થતી હોવાનું બહાર આવ્યું છે.

આ ફોર્મ્યુલા અનુસાર, શિવસેના અને એનસીપીના વિધાનસભ્ય અઢી-અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાન પદે રહેશે જ્યારે કોંગ્રેસના વિધાનસભ્ય પૂરા પાંચ વર્ષ માટે નાયબ મુખ્યપ્રધાન પદે રહેશે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપ અને મેહબૂબા મુફ્તી આપસના વૈચારિક મતભેદો હોવા છતાં સાથે મળીને કામ કરી શકે તો મહારાષ્ટ્રમાં હાલની સ્થિતિમાં શિવસેના, કોંગ્રેસ-એનસીપી સાથે મળીને કામ કરવા માટે કોઈ ફોર્મ્યુલા શોધી કાઢશે.

ઉદ્ધવે એમ પણ કહ્યું કે ભાજપ સત્તા મેળવવા માટે પીડીપી અને નીતિશ કુમાર (જેડીયૂ) સાથે સમાધાન કર્યું હતું. આ લોકોની વિચારધારા અલગ હોવા છતાં તેઓ શાસન કરવા સાથે થયા.

ઉદ્ધવે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો વિકલ્પ ભાજપે જ ખતમ કર્યો છે, શિવસેનાએ નહીં.