તમે પણ પ્રગટાવી શકો છો આ બાળકોની જિંદગીમાં આશાનો દીવો…

ત્તર પ્રદેશનો શિવમ કુમાર પોણા પાંચ વરસનો છે. બે વરસ પહેલાં એને કેન્સરનું નિદાન થયું ત્યારે સ્વાભાવિક રીતે આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. એનાં પરિવારજનો ચિંતામાં ભારતના વિવિધ દવાખાનોમાં દોડ કરી રહ્યાં, પણ સારવાર સંભવ હોય ત્યાં રોકાણની તકલીફ અને રોકાણ થઈ શકે એવા સ્થળે સારવાર મૂશ્કેલ. જોકે ઘણી દોડધામને અંતે સ્વર્ગસમો સધિયારો મળ્યો ‘એક્સેસ લાઈફ’નો. શિવમનાં માતાપિતાનો અભિપ્રાય છે કે અહીંનું વાતાવરણ એટલું સુંદર, ચેપમુક્ત સ્વચ્છ અને આનંદદાયી છે કે બાળકને કેન્સર સામેનો જંગ સાવ રમત જેવો ભાસવા મંડે. એમની સુવિધાસગવડ એટલી સુઆયોજિત છે કે સારવારની તણાવભરી પરિસ્થિતિમાં બીજી કોઈ ચિંતા ન રહે.

કંઈક આવી જ કહાણીઓ છે મહારાષ્ટ્રના 10 વર્ષી સાગર શિંદે, બિહારના પાંચ વર્ષના પ્રાંજલ યાદવ, બંગાળના 7 વર્ષના પ્રદ્યુમન, છત્તીસગઢની માત્ર દોઢ વરસની ફરિના સિન્હા અને બીજા અનેક બાળકોની છે. એક્સેસ લાઈફની મદદથી કેન્સર સામે જંગે ચડેલાં આવાં બાળકોના વાલીઓની વાતોનો સાર એવો છે કે એક્સેસ લાઈફનો સંગાથ મળતા જ બાળકની કેન્સર સામેની વ્યક્તિગત લડાઈ એક સામુહિક સંગ્રામ બની જતો હોય છે. અહીંનું સંસ્થાકીય વ્યવસ્થાપન, આયોજન તો શ્રેષ્ઠ દરજ્જાના છે જ એ ઉપરાંત આખું વાતાવરણ પરિવાર જેવા પ્રેમ ને ઉમંગભર્યું રહે છે.

શું છે એક્સેસ લાઈફ?

‘એક્સેસ લાઈફ એસિસ્ટન્સ ફાઉન્ડેશન’ એ કેન્સરની ભયંકર બીમારીથી પીડાતાં બાળકો માટે સારવારનો માર્ગ મોકળો કરી આપતી એક સેવાકીય સંસ્થા છે, જે બે મિત્રોની પહેલથી 2014માં સ્થપાઈ.

શું કરે છે આ સંસ્થા?

કેન્સરગ્રસ્ત બાળકો માટે આ સંસ્થાએ એક સુંદરમજાનું ઘર તૈયાર કર્યું છે, જ્યાં પ્રેમભર્યા વાતાવરણમાં બાળક એની સારવાર દરમિયાનનો અઘરો સમય હસતાં-રમતાં પસાર કરી શકે. અહીંના ઉલ્લાસિત વાતાવરણમાં એમને પૂરતું પોષણ મળી રહે અને આનંદિત પણ રહી શકે. આ ઘરમાં બાળકનાં વાલી-વડીલને સાથે રહેવાની પણ ખાસ વ્યવસ્થા છે, કારણ કે બાળકના કેન્સરની સારવારને 6થી 24 મહિના સુધીનો સમય લાગી શકે છે. દેશભરના અંતરિયાળ વિસ્તારોમાંથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર લેવા આવતા લોકો પોતાનાં બાળકને સારવાર તો હોસ્પિટલમાં અપાવી શકે, પણ એમને રહેવાની સમસ્યા સર્જાતી હોય છે, રહેવાની જગ્યા પણ બહુ કાળજીથી શોધવા પડે, કારણ કે સારવારના સમય દરમિયાન બાળકને બીજા કોઈ પ્રકારનું ઈન્ફેક્શન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ઘણીવાર ગરીબ પરિવારોએ તો ફૂટપાથ પર રહેવું પડતું હોય એમ પણ બને છે. કેન્સરપીડિત બાળકના પરિવારની આ બધી સમસ્યાઓના સમાધાનનું નામ છે, એક્સેસ લાઈફ.

 

ક્યાં છે આ સંસ્થા?

જૂન 2014માં આ સંસ્થાએ એનું પહેલું કેન્દ્ર ચેમ્બુરમાં સ્થાપ્યું હતું ને આજે મુંબઈભરમાં સંસ્થાનાં 6 કેન્દ્રો છે, ચેમ્બુરમાં જ ત્રણ ઉપરાંત બાન્દ્રા, અંધેરી અને થાણામાં એક-એક કેન્દ્ર આવેલાં છે. આ તમામ કેન્દ્રૌમાં 400થી વધુ બાળકો કેન્સરની બીમારી સામે હસતે મુખે બાથ ભીડી ચૂક્યા છે. ભારતના વિવિધ અંતરિયાળ વિસ્તારોમાંથી આ બાળકો આવે છે. મુંબઈની ટાટા, સાયન અને વાડિયા હોસ્પિટલમાં સારવાર માટે આવ્યાં હોય એમાંથી જરૂર લાગે એવાં બાળકોને અહીં મોકલવામાં આવે છે. અત્યારે 57 બાળકો એમના વડીલો સાથે એક્સેસ-લાઈફની સેવા મેળવી રહ્યાં છે.

પોતાના મિત્ર ગીરીશ નાયર સાથે મળી આ સંસ્થાની સ્થાપના કરનારા અંકિત દવે chitralekha.comને જણાવે છે કે અહીં રહેનારા માટે સંસ્થા કોઈ સેવાકીય કેન્દ્ર કરતાં એક ઘર સમાન વધારે બની જાય છે. બધી જ સગવડસુવિધા તો એમને નિઃશુલ્ક મળે જ છે એ ઉપરાંત એમની પૂરતી તકેદારી પણ રાખવામાં આવે છે. એક સમાન કારણ(પોતાના સંતાનની સારવાર) માટે અહીં આ એક છત(એક્સેસ લાઈફ) નીચે ભેગા થયેલા આ લોકોમાં પરસ્પર પણ પરિવારભાવ વિકસી જાય છે. એમને અહીં ઘર જેવું જ અનુભવાય એટલે દરેકને પૂરી સુવિધા સાથેનું રસોડું પણ અપાય છે જેથી માતાઓ પોતે બાળકોને ભાવે એ પ્રમાણેની વાનગીઓ તૈયાર કરી શકે. દરેક કેન્દ્રમાં વોલિન્ટિયર્સ ઉપરાંત એક કેરટેકર ચોવીસ કલાક માટે હોય છે.

સંસ્થાના પાયામાં આમ તો સેંકડો કાર્યકરો જોડાયેલાં છે, પણ એની સ્થાપના અને વ્યાપ્તમાં ગીરીશ નાયર, અંકિત દવે અને સપના કામદારનો મહત્વનો ફાળો છે. સંસ્થાના ફાઉન્ડર-ચેરમેન ગીરીશ નાયર ટ્રાવેલ-એવિએશન અને પબ્લિક રિલેશનમાં પંદર વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે તો ફાઉન્ડર-એક્ઝેક્યુટિવ ડિરેક્ટર અંકિત દવે પબ્લિક રિલેશન અને કમ્યુનિકેશન મેનેજમેન્ટમાં દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.

સ્થાપનાથી આ સંસ્થામાં કાર્યરત સપના કામદાર chitralekha.comને કહે છે કે બીજી પણ વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને મદદરૂપ બને છે. દર રવિવારે મનોરંજન માટે મેજિક શો કે ટી.વી. સેલિબ્રિટીની મુલાકાત જેવા કોઈને કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું જ હોય છે. બાકી દિવસોમાં પણ માતાપિતા બહુ ચિંતામાં ન ડૂબી જાય એટલે વોલિન્ટિયર્સ એમની સાથે વાતચીત ને ચર્ચા દ્વારા કાઉન્સેલિંગ કરતા રહેતા હોય છે. સારવારના સમય દરમિયાન સ્કૂલથી વંચિત રહેતાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સામાન્ય શિક્ષણ પણ અહીં મળી રહે છે. ઉપરાંત ધ્યાન-યોગ, આર્ટ એન્ડ ક્રાફ્ટની તાલીમના સેશન પણ યોજાય છે. સંસ્થા દ્વારા અત્યાર સુધી 1000થી વધુ નાનામોટા ઈવેન્ટ આયોજિત થઈ ચૂક્યાં છે.

સોયકોલોજીનો અભ્યાસ અને શેરબજારમાં કામનો અનુભવ ધરાવતાં સપના કામદાર છેલ્લાં ઘણા સમયથી પૂરેપૂરો સમય સમાજસેવાની પ્રવૃત્તિઓમાં જ વીતાવે છે. સપનાજી કહે છે કે આ પ્રકારનાં બાળકો સાથે સમય વીતાવવા મળે એ સૌથી મોટો આનંદ છે. આ બાળકોની સારવારમાં મદદ અને આર્થિક સહાય તો મળી રહે છે, પણ ખરેખર તો એ બાળકોની પણ સૌથી મોટી જરૂર એ જ હોય છે કે કોઈ એમના સાથે પ્રેમપૂર્વક સમય વીતાવે.

 

બીજી એક નોંધનીય વાત છે કે એક્સેસ લાઈફના કેન્દ્રથી હોસ્પિટલની રોજે-રોજની આવ-જામાં પણ બાળકને ઈન્ફેક્શન થવાનો ભય હોય છે, એ ભયને ટાળવા સંસ્થાએ ખાસ ગાડીઓની વ્યવસ્થા કરી રાખી છે. સંસ્થાની પાંચ ગાડી આ બાળકોને હોસ્પિટલથી કેન્દ્રમાં લઈ જવા-મૂકવાનું કામ કરવા માટે રાખેલી છે. બધાં કેન્દ્રોનું સંચાલન સંસ્થાના 100થી વધુ સક્રિય વોલિન્ટિયર્સની ટીમ દ્વારા પાર પડે છે.

અને હા, સપ્ટેમ્બર મહિનો ‘ઈન્ટરનેશનલ ચાઈલ્ડહૂલ કેન્સર’ની જાગ્રતિ ફેલાવવા માટેનો મહિનો છે. એ ઉપક્રમે એક્સેસ લાઈફ છેલ્લાં ચાર વરસથી મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલની વિખ્યાત ઈમારતને ગોલ્ડન લાઈટથી સજાવવામાં આવે છે. જેમ પીન્ક લાઈટ બ્રેસ્ટ કેન્સરની જાગ્રતિ માટે વપરાય છે એમ ગોલ્ડન લાઈટ બાળકોના કેન્સર માટેની જાગ્રતિ ફેલાવવા છે. આ સંસ્થાએ લોકોમાં જાગ્રતિ ફેલાવવા ડાન્સ શો જેવા આયોજન પણ કર્યાં છે.

હવે તાજેતરની વાત કરીએ તો સંસ્થાની એક વિશેષ પહેલ એવી છે કે એમની આ ઉમદા કામગીરીમાં આપણા જેવા સામાન્ય નાગરિકોને પણ સહભાગી બનાવે છે. દિવાળીને ધ્યાનમાં રાખી સંસ્થામાં રહેતા લોકો ને વોલિન્ટિયર્સે મળી ખાસ દીવાઓનો સેટ તૈયાર કર્યો છે. એ સેટની કિંમત 250 રૂપિયા છે. દિવાળીમાં આપણામાંના મોટાભાગના લોકો પોતાના માટે તેમ જ સ્વજનોને આપવા માટે સહજ જ દીવાઓ ખરીદતા હોઈએ છીએ. એ જ દીવા જો આપણે આ સંસ્થા પાસેથી ખરીદીશું તો એની કિંમત માત્ર કોઈ વેપારીની કમાણી સુધી સીમિત ન રહેતા, આ સેંકડો બાળકોની સારવારમાં મદદરૂપ બનશે.

(આ દીવાઓના સેટનું બૂકિંગ કરવા માટે આપેલા નંબર પર વોટસઅપ કરી શકો છો. દીવાના સેટ પર કૂરિયરનો ચાર્જ અલગથી ગણવામાં આવશે. ઓર્ડર માટે વોટસએપ – 09769590590.) સંસ્થાની વધુ વિગતો – accesslife.org પર જાણી શકશો.

આ દીવાળીએ તમારા ઘરે પ્રગટતા દીવા કોઈના જીવનમાં પ્રકાશ રેલાવે એવી શુભેચ્છાઓ…