મુંબઈઃ ‘ભારતમાં જેની ઉત્પત્તિ થઈ તે પૂતળીકલા હવે ભારતમાંથી લુપ્ત થવા લાગી છે તેનો રંજ છે. ખાસ કરીને ભારતમાં પરંપરાગત પૂતળીકલા કરનારાઓને પ્રોત્સાહન મળવાનું લગભગ બંધ થઈ રહ્યું છે. તેમણે જીવન ધોરણ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે, એ દુઃખની વાત છે. પૂતળીકલા આપણા દરેક રાજ્યોમાં છે, તેમને સરકારનો સહયોગ મળે તેની જરૂર છે. આ કલાના માધ્યમથી શિક્ષણથી લઈ જીવનના નીતિ મૂલ્યો અને આધ્યાત્મિકતાની વાતો પણ થતી હોય છે અને તે માનવજીવનમાં વિકાસમાં ફાળો આપી શકવા સમર્થ છે.’ આ શબ્દો છે કઠપૂતળી કલાના નિષ્ણાત અને આ કલા માટે જીવન સમર્પિત કરી કાર્ય કરતા અમરેલીના ડો. પ્રણવ જનાર્દન વ્યાસના.
દેશ- વિદેશોમાં પૂતળીકલા
ગયા શનિવારની સાંજે કાંદિવલીની સંસ્થા ‘સંવિત્તિ’ દ્વારા કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આયોજીત પુતળીકલાના જ્ઞાનસભર કાર્યક્રમમાં પૂતળીકલામાં ડોક્ટરેટ કરનાર ડો. પ્રણવ વ્યાસે હાજર સૌ શ્રોતાઓને પૂતળીકલા વિશે દેશ-વિદેશની રસપ્રદ વાતો કરી હતી તેમજ પપેટ-શો (પૂતળીકલા)ના માધ્યમથી પ્રેરણાદાયી વાર્તાઓ દર્શાવીને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમાં પર્યાવરણ રક્ષણનો સંદેશ, માનવીમાં રહેલી લોભવૃતિના ઈશારા અને બોધપાઠ પણ સામેલ હતા.
ડો. વ્યાસે ચીન, જાપાન, ઈન્ડોનેશિયા, ઈજિપ્ત, ગ્રીસ, ફ્રાન્સ, વગેરે જેવા દેશો ઉપરાંત ભારતમાં રાજસ્થાન, આસામ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કથપૂતળીના વિવિધ પ્રકાર અને તેની વિશેષતાઓનું વર્ણન પણ કર્યુ હતું.
પાકિસ્તાનમાં અને શ્રીલંકા જેવા નાના દેશોમાં પણ પૂતળીકલાને મહત્ત્વ અપાય છે. ચીનમાં તો દર વર્ષે સમર વેકેશનમાં સરકાર તરફથી વિશેષ આયોજન વિનામૂલ્યે થાય છે. જેમાં ભાગ લઈ સૌને શીખવાની તક મળે છે.
ડો. વ્યાસના કહેવાનુસાર પૂતળીકલાનો જન્મ ભારતમાં થયો હતો. મહાભારત, બૌધ્ધકથા, વાલ્મિકી રામાયણ, વગેરેમાં તેનો ઉલ્લેખ છે. આના માધ્યમથી અનેક કથાઓ પ્રચલિત થઈ છે. ઈન્ડનેશિયામાં તો આજે પણ રામ-સીતા, હનુમાનજીના પાત્રો કઠપૂતળી કલામાં ઉલ્લેખ પામે છે.
શિક્ષણ-તાલીમના કાર્યક્રમ
ડો. વ્યાસ પોતે વર્ષોથી શિક્ષક રહ્યા છે. કથપૂતળી કલાને તેમણે પોતાના શોખ તરીકે એ રીતે વિકસાવી છે. આજે તેઓ આ કલાના અભ્યાસ માટે દેશ વિવિધ ભાગોમાં જઈ તેનો વધુ અભ્યાસ અને સંશોધન કરે છે. તેને ઉત્તેજન મળે એવા પ્રયાસો કરે છે, અસંખ્ય બાળકોને પણ આ કળા શીખવે છે. વિવિધ શહેરોમાં તેમના વર્કશોપ-તાલીમ સત્ર પણ યોજાય છે. તેઓ યૂટ્યૂબ પર પણ પોતાના શો મૂકતા રહે છે. તેમણે પોતાના ઘરમાં જ સ્ટુડિયો તૈયાર કર્યો છે અને દેશના વિવિધ રાજ્યો તેમ જ વિદેશોની કઠપૂતળીના સંગ્રહ પણ કર્યા છે.
‘આપણે પરમાત્માના હાથની કઠપૂતળી’
આ પ્રસંગે કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના વાઈસ પ્રેસિડન્ટ મહેશભાઈ શાહે કાર્યક્રમની સમાપ્તિ બાદ ડો. વ્યાસની કળાને બિરદાવતા કહ્યું હતું કે વ્યાસનો સતત વિસ્તાર થાય એવી શુભેચ્છા વ્યક્ત કરીએ. આપણે મનુષ્યો પણ પરમાત્માના હાથની કઠપૂતળી જ છીએ.
આ કાર્યક્રમમાં કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી બાળકો અને તેમનાં માતા-પિતા પણ હાજર રહ્યાં હતાં.
સ્કૂલના પ્રિન્સિપાલે આ કળાની સરાહના કરી હતી. વકતા-વિશેષજ્ઞ ડો. પ્રણવ વ્યાસનો પરિચય આપવા ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું સંચાલન ‘સંવિત્તિ’ના સ્થાપક સભ્ય હાર્દિક ભટ્ટે કર્યું હતું. બાકીના સ્થાપક સભ્યોમાં કીર્તિ શાહ, મયુર દવે, સંજય ગોહિલે આયોજનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શો દરમ્યાન ડો. વ્યાસને સૌરભ ગોહિલે ટેકનિકલ સપોર્ટ આપ્યો હતો. આભાર વિધિમાં જયેશ ચિતલિયાએ ‘આનંદ’ ફિલ્મના સંવાદ સાથે સમાપન કર્યુ હતું, ‘બાબુ મોશાય, જિંદગી ઔર મોત ઉપરવાલે કે હાથમેં હૈ જહાંપનાહ, હમ સબ તો રંગમંચ કી કઠપૂતલિયાં હૈ, જીસકી ડોર ઉપરવાલે કી ઉંગલીયોંમેં બંધી હૈ, કોન, કબ, કૈસે ઊઠા લિયા જાયેગા, યે કોઈ નહી જાનતા…’