મુંબઈની લોકલ ટ્રેનમાં જોખમી સ્ટન્ટ કરવા બદલ રેલવે પોલીસે બે જણની ધરપકડ કરી

મુંબઈ – ગવર્મેન્ટ રેલવે પોલીસે બે યુવાનની ધરપકડ કરી છે. એ બંને જણ આજે સવારે શહેરમાં મધ્ય રેલવેના હાર્બર વિભાગ પરની એક ચાલુ લોકલ ટ્રેનમાં દરવાજા પાસે ઊભીને જોખમી સ્ટન્ટ કરતા હતા.

ચેંબૂર-વડાલા વચ્ચે દોડતી એક લોકલ ટ્રેનમાં ખતરનાક સ્ટન્ટ કરતા છોકરાનો મોબાઈલ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો. એને ધ્યાનમાં લઈને રેલવે પોલીસે સ્ટન્ટબાજી કરતા છોકરા તથા એના એક મિત્રની ધરપકડ કરી છે. કાનમાં ઈયરફોન ભરાવેલો છોકરો ચાલુ ટ્રેને દરવાજા પર વચ્ચેનો સ્ટીલનો થાંભલો પકડીને લટકતો જોઈ શકાય છે. એટલું જ નહીં એ થાંભલા પર બંને પગ ભેગા કરીને નીચે લસરતો પણ દેખાય છે તેમજ દોડતી ટ્રેને પૂલની દીવાલને અડતો પણ જોઈ શકાય છે.

આવા સ્ટન્ટ કરવા બદલ પોલીસે બે જણની ધરપકડ કરી છે.

લોકલ ટ્રેનની સફર દરમિયાન વારંવાર થતી દુર્ઘટનાઓની અવગણના કરીને અને રેલવે તથા પોલીસની ચેતવણી, અપીલ સામે આંખ આડા કાન કરીને કેટલાક બેજવાબદાર, અતિઉત્સાહી લોકો દ્વારા આવા જોખમી સ્ટન્ટ ચાલુ રાખવામાં આવ્યા છે.

છોકરો થાંભલો પકડીને સ્ટન્ટ કરતો હતો ત્યારે એ જ ડબ્બામાં પ્રવાસ કરનાર એક જણે વિડિયો ઉતાર્યો હતો અને સોશિયલ મિડિયા પર અપલોડ કર્યો હતો. આ વિડિયોની રેલવે પોલીસે તરત જ નોંધ લીધી હતી અને તે છોકરાને શોધી કાઢીને પકડી લીધો છે. તેમજ આગળની કાર્યવાહી શરૂ પણ કરી દીધી છે.

અમે પણ લોકોને અપીલ કરીએ છીએ કે આવો સ્ટન્ટ કરવાની ક્યારેય કોશિશ કરવી ન જોઈએ કારણ કે આવું કરવાનું જીવલેણ સાબિત થઈ શકે છે.