મુંબઈ:વિલે પાર્લેમાં ‘આદિવાસી પરંપરાનાં ગીતો’ કાર્યક્રમનું આયોજન

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા 31મી ઓગસ્ટ શનિવારે વિલે પાર્લેમાં કલાગુર્જરી ખાતે અક્ષર અર્ચનાના સહયોગમાં ‘આદિવાસી પરંપરાનાં ગીતો ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આદિવાસીની પંરપરાઓ, ગાન અને નૃત્યની રજૂઆત કરવામાં આવશે.

આપણા દેશની આદિવાસી વસ્તીનો 8.01 ટકા ભાગ ગુજરાતમાં છે. ગુજરાતમાં આદિવાસીઓની એકંદર વસ્તી 89 થી 90 લાખ જેટલી છે એટલે કે ગુજરાતની કુલ વસ્તીમાં આ સંખ્યા 14 ટકા જેટલી છે .આ આદિવાસી સમાજ ધીરે ધીરે મુખ્યપ્રવાહમાં આવી રહ્યો છે પણ એમના પોતાના આગવા તહેવારો છે, પોતાનાં ગીતો છે, પોતાનાં આગવાં નૃત્ય છે, આદિવાસીની પોતાની ઓળખ દાખવે એવા મેળા છે અને પોતાનું વિશિષ્ટ સાહિત્ય પણ છે.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વિલે પાર્લેમાં અક્ષર અર્ચનાના સહયોગમાં ‘આદિવાસી પરંપરાનાં ગીતો ‘નામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે .આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરાના સાહિત્ય વિશે જાણીતા નવલકથાકાર તથા આદિવાસી સાહિત્યના અભ્યાસી કાનજી પટેલ પોતાની વાત રજૂ કરશે અને સાથે સાથે પોતાનાં ગાન દ્વારા આદિવાસી ગીતોનો પરિચય કરાવશે.

મનીષાબેન ભોઈ અને હિરલબેન ગામેતી આ બંને વિદ્યાર્થીનીઓ કલજીભાઈ આર.કટારા આર્ટસ કોલેજ, શામળાજીની વિદ્યાર્થીની છે અને ગુજરાતથી ખાસ આ કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમની સંકલન સહાય પ્રો. વી.કે.ગાવીત તથા ડૉ.નીતિન રેંટિયાએ કરી છે તથા કલાગુર્જરીના હેમાંગ જાંગલા અને અમૃત માલદેનો સહકાર મળ્યો છે. આ કાર્યક્રમની પરિકલ્પના તથા સંકલન સંજય પંડ્યાનાં છે. ઈચ્છુક દરેક કલાપ્રેમી આ ક્રાર્યક્રમમાં જોડાઈ શકે છે.