મુંબઈ: ઝરૂખોમાં ‘કચ્છ ફાઈલ’ના લેખક પ્રફુલ શાહ અને પત્રકાર વિપુલ વૈદ્ય સાથે ગોષ્ઠિ

મુંબઈ: બોરિવલીમાં આયોજીત ઝરુખો કાર્યક્રમમાં આ વખતે ખરેખરનો રંગ જામવાનો છે. ઝરૂખો કાર્યક્રમમાં જાણીતા લેખક પ્રફુલ શાહ અને વિપુલ વૈદ્ય સાથે સંજય પંડ્યા રસપ્રદ ગોષ્ઠિ કરશે.

કચ્છ પોતાની આગવી ઓળખ ધરાવે છે. એનો મિજાજ, એનો માહોલ, એની ભૌગોલિક સ્થિતિ તથા ત્યાંના સંસ્કાર અને સંસ્કૃતિ બાકીના પ્રદેશથી નોખાં છે. ત્યાં રણ છે પણ રાજસ્થાન જેવું નહિ, ત્યાં આંતરરાષ્ટ્રીય સરહદ છે પણ પંજાબ કે કાશ્મીર જેવી નહિ. આવા કચ્છની ભૂમિ પર ચાર દાયકા જેમણે પત્રકારત્વ કર્યું છે અને અનેક રસપ્રદ તથા ચોંકાવનારી ઘટનાઓના સાક્ષી રહ્યા છે એવા વિપુલ વૈદ્યના જીવનની ઘટનાઓની આસપાસ જાણીતા લેખક પ્રફુલ શાહે એક ડૉક્યુ નોવેલ રચી છે જેનું નામ છે ‘કચ્છ ફાઈલ ‘.

લેખક તથા પત્રકાર પ્રફુલ શાહ વાચકને જકડી રાખે એવી નવલકથાઓ માટે જાણીતા છે. એમની ‘દ્રશ્યમ – અદ્રશ્યમ ‘ સત્ય ઘટના આધારિત નવલકથા ગુજરાતી ઉપરાંત હિન્દી, મરાઠી, અંગ્રેજીમાં છપાઈ છે. નવલકથાઓ ઉપરાંત યુદ્ધના આપણા જાંબાઝો વિશે એમણે સેંકડો લેખો લખ્યા છે. વિપુલ વૈદ્યે પણ કચ્છની ભૂમિ પર રિપોર્ટરથી લઈને અખબારના તંત્રી સુધીની જવાબદારી સંભાળી છે.

7 ડિસેમ્બર શનિવારે, સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમ ખાતે ઝરુખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છની ધરતી તથા કચ્છની સરહદ સાથે જોડાયેલું એક પત્રકારનું સાહસ અને રોમાંચ ભરેલું જીવન લોકો સમક્ષ મુકવામાં આવશે. જાહેર કાર્યક્રમમાં ઈચ્છુક દરેક વ્યક્તિ સામેલ થઈ શકે છે.