મુંબઈ: લેખનકળા એક વ્યક્તિગત કળા છે, સામૂહિક કળા નથી માટે એવું બનતું હોય છે કે વાર્તાકારના પરિવારજનો એની લેખનકળાની પ્રતિભાથી અજાણ્યા રહી જતાં હોય. બાલભારતીના ટ્રસ્ટીઓ હેમાંગ તન્ના અને હેમંત કારિયા એક નવી પરિકલ્પના લઈને આવ્યા. જેનાથી વાર્તાકાર પોતાનાં પરિવારજનોની જોડે મળીને વાર્તાઓની રજૂઆત કરે અને પરિવારજનો પોતાનાં સ્વજનની પ્રતિભાથી પરિચિત થાય.
આ કડીમાં 27 ઓકરોબર રવિવારે રવિવારના રોજ કાંદિવલી (વેસ્ટ) બાલભારતી સ્કૂલ ખાતે વાર્તાવંતના ઉપક્રમે વાર્તાપઠનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 38મી વખત છે જ્યારે આ કાર્યક્રમનું આયોજન થયું છે. અગાઉ આ શ્રેણીમાં હેમંત કારિયા, સતીશ વ્યાસ અને આરતી મર્ચન્ટ રજૂઆત કરી ચૂક્યા છે. પારિવારિક વાર્તાપઠનના આ ચોથા કાર્યક્રમમાં કિશોર પટેલ અને એમનાં પરિવારના સભ્યોએ ચાર લઘુકથાઓ અને બે ટૂંકી વાર્તાઓની રજૂઆત કરી હતી.
“મિટિંગ”, “ફોરવર્ડ”, “કાગળની હોડી” અને “મુન્ની બદનામ હુઈ” એમ ચાર લઘુકથાઓમાં નાનોમોટો સામાજિક સંદેશ હતો.“ધરમ કરતાં પડી ધાડ” અને “ગલતી સે મિસ્ટેક” બંને ટૂંકી વાર્તાઓ હાસ્યપ્રધાન હતી. જો વાર્તાની વિષયની વાત કરીએ તો ધરમ કરતાં પડી ધાડમાં એક દંપતીના લગ્નજીવનમાં આવી પડેલી સમસ્યા ઉકેલવા જતાં વાર્તાના નાયકનું પોતાનું લગ્નજીવન જોખમમાં આવી પડે છે! જ્યારે ગલતી સે મિસ્ટેકમાં કલ્પના કરો કે તમને મૃત્યુ પહેલાં ચોવીસ કલાકનો ગ્રેસ પિરિયડ મળે છે! તો શું કરશો એ ચોવીસ કલાકમાં? આ વાર્તાના નાયકે શું કર્યુ? એ જાણવા જેવું છે.
વાર્તાપઠનમાં કિશોર પટેલની સાથે એમની દીકરીઓ અનુક્રમે પિનાકી સરાવિયા અને ઈશાની વ્યાસ તથા ભત્રીજી હેતા પટેલે સહયોગ આપ્યો. કાર્યક્રમમાં રજૂ થયેલી વાર્તાઓ વિષે કવિ અને વાર્તાકાર સંદીપ ભાટિયાએ પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે કિશોરભાઈની વાર્તાઓમાં સામાન્ય માણસોના જીવનનો ધબકાર સંભળાય છે. કાર્યક્રમના અંતમાં કિશોરભાઈના દોહિત્ર ધ્રુવ સરાવિયાએ વાર્તાઓ વિષે પોતાનો અભિપ્રાય આપ્યો અને બાલભારતી સંસ્થાનો આભાર માન્યો હતો.