ફિફા વર્લ્ડ કપ પહેલાં 30 લાખથી વધુ સ્ટ્રીટ ડોગનો લેવાશે ભોગ

રબાતઃ મોરોક્કોએ 2030માં ફિફા વર્લ્ડ કપનું આયોજન કરતાં પહેલાં દેશમાં 30 લાખથી વધુ સ્ટ્રીટ ડોગ્સને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. એની પાછળનો તર્ક એ છે કે મોરોક્કો શહેરોમાં સ્ટ્રીટ ડોગવાળી છબિમાં સુધારો લાવવા ઇચ્છે છે. જોકે મોરોક્કો સરકારના આ સફાયા અભિયાનનો એનિમલ એક્ટિવિસ્ટોએ વિરોધ કરવાનો શરૂ કર્યો છે.

અહેવાલ અનુસાર આ સફાયા અભિયાન હેઠળ પ્રતિ વર્ષ કમસે કમ ત્રણ લાખ સ્ટ્રીટ ડોગ્સ મારવામાં આવી રહ્યા છે. આ અભિયાન ફિફા વર્લ્ડ કપની યજમાની મળ્યા પછી તેજ થઈ છે. ફિફા ફૂટબોલ વિશ્વ કપની યજમાની પ્રતિ ચાર વર્ષે ભૌગોલિક સ્થિતિ જોઈને મળે છે. આ એવો કાર્યક્રમ છે, જે લોકોને એકમેકની સંસ્કૃતિઓ, વિવિધતાઓ છતાં બધાં રાષ્ટ્રોમાં અદ્વિતીય ઉત્સાહ પેદા કરે છે. આ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની ફૂટબોલપ્રેમીઓ આતુરતાથી રાહ જુએ છે.આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થા, FIFAએ બુધવારે ફૂટબોલ વર્લ્ડ કપની આગામી બે આવૃત્તિઓ માટે યજમાન દેશોની જાહેરાત કરી. સાઉદી અરેબિયાને 2034 ઇવેન્ટની યજમાની કરવાની પુષ્ટિ કરવામાં આવી હતી, જ્યારે FIFA 2030 ટુર્નામેન્ટ માટે સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોને સંયુક્ત યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

આ સિવાય 2030 ફૂટબોલ વર્લ્ડ કપ ત્રણ ખંડોના છ દેશોમાં રમાશે. 2030 FIFAનું આયોજન મોરોક્કો, પોર્ટુગલ અને સ્પેન દ્વારા કરવામાં આવશે. 2030 ટુર્નામેન્ટની ત્રણ મેચ આર્જેન્ટિના, પેરાગ્વે અને ઉરુગ્વેમાં સ્પર્ધાના 100 વર્ષની યાદગીરીમાં યોજાશે. ઈવેન્ટની શરૂઆતની મેચ ઉરુગ્વેમાં રમાશે, જેણે 1930 પછી પ્રથમ ફાઈનલની યજમાની કરી હતી, આગામી બે મેચ અનુક્રમે આર્જેન્ટિના અને પેરાગ્વેમાં રમાશે, ત્યાર બાદ ટુર્નામેન્ટની બાકીની મેચો ત્રણ મુખ્ય સહ-યજમાન દેશોમાં રમાશે.