બાંગ્લાદેશ સરકારે સોમવારે ઇન્ટરનેટને સંપૂર્ણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. પ્રદર્શનકારીઓએ સામાન્ય જનતાને ‘લોંગ માર્ચ ટુ ઢાકા’માં ભાગ લેવાની અપીલ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આના એક દિવસ પહેલા દેશના જુદા જુદા ભાગોમાં વિરોધીઓ અને શાસક પક્ષના સમર્થકો વચ્ચેની અથડામણમાં 100 થી વધુ લોકોના મોત થયા હતા. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને કારણે ભારતે તેના તમામ નાગરિકોને આગામી સૂચના સુધી પડોશી દેશની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. હિંસા રવિવારે સવારે ત્યારે થઈ જ્યારે વિરોધીઓ ‘વિધાર્થીઓ વિરુદ્ધ ભેદભાવ’ના બેનર હેઠળ આયોજિત ‘અસહકાર કાર્યક્રમ’માં ભાગ લેવા આવ્યા હતા. અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું. પ્રદર્શનકારીઓ સરકારી નોકરીઓમાં અનામત પ્રથાના મુદ્દે હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
બંગાળી ભાષાના અગ્રણી અખબારે અહેવાલ આપ્યો છે કે રવિવારે થયેલી અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 101 લોકો માર્યા ગયા હતા. હિંસાને કારણે સત્તાવાળાઓને મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવા અને સમગ્ર દેશમાં અનિશ્ચિત કર્ફ્યુ લાદવાની ફરજ પડી હતી.
‘લોંગ માર્ચ ટુ ઢાકા’ની જાહેરાત
ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલને સોમવારે તેની “લોંગ માર્ચ ટુ ઢાકા”નું આયોજન કરવાની યોજના બનાવી છે. ચળવળના સંયોજક આસિફ મહમૂદે રવિવારે રાત્રે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે દેશમાં વધતી જતી ચિંતાઓ વચ્ચે બોલાવવામાં આવેલી કટોકટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહેમૂદે કહ્યું, ‘સ્થિતિની સમીક્ષા કરવાના કટોકટીના નિર્ણયમાં, અમારો ‘માર્ચ ટુ ઢાકા’ કાર્યક્રમ 6 ઓગસ્ટના બદલે 5 ઓગસ્ટે યોજાશે. બીજા શબ્દોમાં કહીએ તો, અમે દેશભરના વિદ્યાર્થીઓને સોમવારે ઢાકા આવવા માટે આહ્વાન કરી રહ્યા છીએ. સામાન્ય જનતાને તેમાં ભાગ લેવાની અપીલ કરતાં તેમણે કહ્યું, ‘અંતિમ યુદ્ધનો સમય આવી ગયો છે. ઈતિહાસનો હિસ્સો બનવા ઢાકા આવો. વિદ્યાર્થીઓ નવું બાંગ્લાદેશ બનાવશે.
ત્રણ દિવસની રજાની જાહેરાત
સરકારે રવિવારે એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે વિવિધ સ્થળોએ આતંકી હુમલા થઈ રહ્યા છે. આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સોમવારથી દેશમાં ત્રણ દિવસની સામાન્ય રજા જાહેર કરવામાં આવી હતી.
વચગાળાની સરકાર બનાવવાનો પ્રસ્તાવ
દરમિયાન, ‘યુનિવર્સિટી ટીચર્સ નેટવર્ક’ એ વિવિધ વર્ગો અને વ્યવસાયોના લોકોનો સમાવેશ કરતી વચગાળાની સરકારની તાત્કાલિક રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ મુજબ હસીનાએ વચગાળાની સરકારને સત્તા સોંપવી પડશે. રવિવારની અથડામણના થોડા દિવસો પહેલા, બાંગ્લાદેશમાં પોલીસ અને મુખ્યત્વે વિદ્યાર્થી વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં 200 થી વધુ લોકો માર્યા ગયા હતા.
વિદ્યાર્થીઓ શા માટે કરી રહ્યા છે વિરોધ?
વિરોધીઓ વિવાદાસ્પદ અનામત પ્રણાલીને સમાપ્ત કરવાની માંગ કરી રહ્યા છે, જે 1971 માં બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધમાં ભાગ લેનારા લડવૈયાઓના સંબંધીઓને સરકારી નોકરીઓમાં 30 ટકા અનામતની જોગવાઈ કરે છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ફેસબુક’, ‘મેસેન્જર’, ‘વોટ્સએપ’ અને ‘ઈન્સ્ટાગ્રામ’ને બંધ કરવાનો આદેશ આપ્યો છે. મોબાઈલ પ્રોવાઈડર્સને 4G ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.