રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ?
છેલ્લા 24 કલાકમાં મોડાસા ઉપરાંત દાહોદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના ગોધરામાં દોઢ ઈંચ, મહીસાગરના વીરપુરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય છેલ્લા 24 કલાકમાં મહીસાગરના લુણાવાડામાં એક ઈંચ, નર્મદાના નાંદોદમાં એક ઈંચ, પંચમહાલના ઘોઘંબામાં એક ઈંચ, દાહોદના સિંગવડમાં પોણો ઈંચ, તાપીના નિઝરમાં પોણો ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં પણ પોણો ઈંચ, દાહોદના ઝાલોદમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અછત વર્તાઇ રહી છે. જો કે હવે એવી ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લા ભરૂચ, સુરત, ડાંગ,તાપી,નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.