સૈફ અલી ખાન પર હુમલાના મામલે એક શખસની ધરપકડ

મુંબઈઃ બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન ઉપર તેના ઘરમાં ઘૂસીને ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ઘાયલ થયો છે અને તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હવે મુંબઈ પોલીસે આ મામલે એક શખસની ધરપકડ કરી છે. પોલીસ આરોપીને હિરાસતમાં લઈને વધુ પૂછપરછ માટે બાંદરા પોલીસ સ્ટેશનમાં લઈ આવી છે.

પોલીસે આરોપીને છેલ્લી વાર બાંદરા રેલવે સ્ટેશનની પાસે જોયો હતો. પોલીસને સંદેહ છે કે સંદિગ્ધ ઘટના પછી વસઈ-વિરાર તરફ જતી પહેલી લોકલ ટ્રેન પકડી હતી.

સૈફ અલી ખાન પર ગઈ કાલે ચાકુથી હુમલો થયો હતો, જેમાં તેને ગંભીર ઇજા થઈ હતી. સૈફના શરીર પર છ ઊંડા ઘા હતા, એમાંથી એક ઘા તેની ડોક પર જ 10 સેન્ટિમીટર હતો. એની સાથે તેની પીઠ પર આશરે 2.5 ઇંચ ચાકુનો ટુકડો મળ્યો હતો. પોલીસે એ ટુકડાને કબજામાં લીધો હતો અને બાકી હિસ્સાની તપાસ જારી છે.

અભિનેતાને હુમલાખોરે છરી વડે અભિનેતા પર છ વાર કર્યા હતા. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અભિનેતાની સર્જરી કરવામાં આવી હતી. હવે તે ખતરાની બહાર છે. આરોપીઓને પકડવા માટે પોલીસની 20 ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમને અલગ-અલગ કાર્ય સોંપવામાં આવ્યું હતું.