મહાઠગ કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ પ્રધાનના ભાઈનો બંગલો પચાવી પાડવા, 35 લાખની ઠગાઈ અને છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે માલિનીએ આગોતરા જામીનની અરજી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં મકાન પચાવી પાડી છેતરપીંડીની ફરિયાદ થઈ હતી.
શું છે સમગ્ર મામલો
પીએમઓમાં ટોચના અધિકારી તરીકે રજૂ કરીને શ્રીનગરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવનારા કિરણ પટેલની પોલીસે ધરપકડ કરી હતી.તે સમયે કિરણ પટેલની પત્ની માલિની પટેલે ધરપકડના ડરથી આગોતરા જામીન માટે શહેરની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જો કે ગયા અઠવાડિયે જ આ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી. માલિની પટેલે પોતાની ધરપકડ પૂર્વેની જામીન અરજીમાં દાવો કર્યો છે કે, તે પોતાના પરિવારનો મુખ્ય આધાર છે અને ઘરમાં એકમાત્ર કમાઉ વ્યક્તિ છે. જો તેને કોઈ કાનૂની સુરક્ષા આપવામાં ન આવી તો તેના પરિવારના સભ્યો ભૂખે મરશે. તણે એવું કહ્યું કે, તે નોકરી કરે છે અને તેના ખભા પર પરિવારની સંપૂર્ણ જવાબદારી છે અને તેથી ન્યાયથી ભાગી જવાની કોઈ શક્યતા નથી.
આ મામલે કરાઈ ધરપકડ
ભાજપના નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવી હતી. જે બાદ માલિવની પટેલે કાયદાકીય રક્ષણ માટે કોર્ટનો દરવાજે ખખડાવ્યો હતો. જગદીશ ચાવડાએ આરોપ લગાવ્યો છે કે, કિરણ પટેલે તેમના 15 કરોડના બંગલા પર ગેરકાયદે રીતે કબજો કર્યો હતો. તેમજ એવો દાવો કરવામાં પણ કરવામાં આવ્યો હતો કે, તે રૂપિયાની ચૂકવણી કરશે, કારણ કે એક કોર્પોરેટ કંપનીની યોજના માટે તે ચૂકવણીની રાહ જોઈ રહ્યો છે. પોતાની ફરિયાદમાં ચાવડાએ આરોપ લગાવ્યો હતો કે પટેલે પોતાની ઓળખ પીએમઓના ટોપના અધિકારી તરીકે આપી હતી અને એવું પણ કહ્યું હતું કે તે ટી પોસ્ટ ચેઈનનો ભાગીદાર તથા રિયલ એસ્ટેટ બ્રોકર પણ છે.
મારે કોઈ લેવાદેવા નથી
મહાઠગ કિરણ પટેલે ચાવડાને એવું કહ્યું હતું કે, તે રિનોવેટ કર્યા બાદ બંગલાને વેચી દેશે. આ વાત ફેબ્રુઆરી 2022ની છે અને એ પછી ચાવડાને અમદાવાદ જિલ્લા કોર્ટ દ્વારા એક નોટિસ મળી હતી. જેમાં પટેલ દ્વારા તેમની વિરુદ્ધ બંગલા પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોતે નિર્દોષ હોવાની દલીલ કરતા માલિની પટેલે જણાવ્યું કે, કથિત ગુના સાથે તેણીને કોઈ લેવા દેવા નથી.