કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી છે. ગુરુવારે રાત્રે જારી કરાયેલી આ યાદી દ્વારા વધુ ત્રણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. આ ત્રણેય ઉમેદવારોને ગુજરાતની ત્રણ લોકસભા બેઠકો (સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા) પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાર્ટીએ સુરેન્દ્રનગરથી ઋત્વિકભાઈ મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 235 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ અગાઉ 12 અલગ-અલગ લિસ્ટમાં 232 ઉમેદવારોની જાહેરાત કરી હતી, જ્યારે દેશમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે. 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ વધુ છ તબક્કામાં મતદાન થશે અને મત ગણતરી 4 જૂન, 2024ના રોજ થશે.
સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિકભાઈ મકવાણાનો મુકાબલો ભાજપના ચંદુભાઈ સિહોરા સાથે થશે. જૂનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવાનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સાથે થશે. વડોદરા બેઠક પર જશપાલસિંહ પઢિયારનો મુકાબલો ભાજપના હેમાંગ જોશી સાથે થશે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બે સીટો આપી છે. AAP એ ભરૂચ અને ભાવનગર બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બાકીની બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા રાખશે. ભાજપે રાજ્યની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર જીત મેળવી હતી.