અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે. ચૂંટણીમાં મતદાન સમયે જે-તે વ્યક્તિએ મત આપી દીધો છે તેની ખાતરી માટે આંગળી પર વાદળી રંગની શાહી લગાવવામાં આવે છે. જેને ઈલેક્શન ઈંક કે ચૂંટણીની શાહી તરીકે ઓળખવામાં આવે છે. શું તમે જાણો છે ચૂંટણીમાં શા માટે આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે? આ શાહી ક્યાં, કોણ અને કેવી રીતે બનાવે છે? ચાલો જાણીએ ચૂંટણીની શાહી સંબંધિત કેટલીક રસપ્રદ બાબતો.
વર્ષ 1951-52માં આપણા દેશમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. તે ચૂંટણીમાં ઘણા લોકોએ અન્ય કોઈની જગ્યાએ મતદાન કર્યું હતું અને ઘણાએ એક કરતા વધુ વખત મતદાન કર્યું હતું. જ્યારે ચૂંટણી પંચ પાસે આવી ફરિયાદો આવી ત્યારે તેણે ઉકેલ શોધવાના વિકલ્પો પર વિચાર કર્યો. ચૂંટણી પંચે મતદારની આંગળી પર નિશાન કરવાનો વિચાર કર્યો, જેથી જાણી શકાય કે તેણે પોતાનો મત આપ્યો છે. આમાં મુશ્કેલી એ હતી કે નિશાન બનાવવા માટે જે શાહી વાપરવામાં આવે તે અમિટ શાહી હોવી જોઈએ.ચૂંટણી પંચે આ માટે નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા (NPL)નો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ એનપીએલે એવી અમિટ ઈલેક્શન ઈંક તૈયાર કરી, જેને ન તો પાણી દ્વારા અને ન તો કોઈ રસાયણ દ્વારા દૂર કરી શકાય. NPLએ આ શાહી બનાવવાનો ઓર્ડર મૈસૂર પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ, MPVLને આપ્યો હતો.ત્યારથી ભારતમાં આ શાહી કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ-નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા દ્વારા અને મૈસુર પેઈન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે.
તેનો પ્રથમ ઉપયોગ ક્યારે થયો હતો?
ચૂંટણી દરમિયાન મતદાનમાં કોઈ છેતરપિંડી ન થાય અને કોઈ ડબલ વોટિંગના કરે તે હેતુથી એમપીવીએલ કંપની દ્વારા ઉત્પાદિત અમિટ શાહીનો ઉપયોગ વર્ષ 1962માં યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. ત્યારથી ચૂંટણીમાં આ શાહીનો સતત ઉપયોગ થઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ શાહીનું નિશાન 15 દિવસ સુધી આંગળી પર રહે છે.
પાણી આધારિત શાહી એ સિલ્વર નાઈટ્રેટ, વિવિધ રંગો અને કેટલાક સોલવન્ટ્સનું મિશ્રણ છે.લોકો તેને ચૂંટણીની શાહી (Election ink) અથવા ઈન્ડેલિબલ શાહી (Inedible ink) તરીકે ઓળખે છે. એકવાર આંગળીના નખ અને ત્વચા પર 40 સેકન્ડની અંદર લાગુ કર્યા પછી તે લગભગ લાંબા સમય સુધી તેની છાપ છોડે છે. જ્યારે શાહી લગાવવામાં આવે ત્યારે તે વાદળી કલરની હોય છે. આંગળી પર લગાવ્યી સેકંડોમાં જ તે બ્લેક અને ડાક બ્રાઉન કલરમાં રૂપાંતરિત થઈ જાય છે. 30થી વધુ દેશોમાં આ શાહીની નિકાસ કરવામાં આવે છે.
સામાન્ય રીતે ચૂંટણીની શાહીનો કલર વાદળી હોય છે. પરંતુ 2005માં અમેરિકાના સુરીનામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની આંગળીઓ પર વાદળીના રંગના નિશાન બદલે નારંગી રંગના નિશાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ શાહી કેવી રીતે બને છે?
ચૂંટણીમાં વપરાતી આ શાહીની ફોર્મ્યુલા ગુપ્ત છે. ન તો ભારતની નેશનલ ફિઝિકલ લેબોરેટરી કે ન તો મૈસુર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડે આ શાહીની ફોર્મ્યુલા જાહેર કરી છે. એકવાર એવી અફવા હતી કે આ શાહી બનાવવામાં ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ અફવાઓને ફગાવી દેવામાં આવી હતી. કેટલાક નિષ્ણાતોના મતે આ શાહીમાં સિલ્વર નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. આને કારણે શાહી ફોટોસેંસિટિવ પ્રકૃતિની થઈ જાય છે. જેથી શાહી થોડા જ સમયમાં સુકાઈ જાય છે.