લોકસભા ચૂંટણીનું ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. પાંચમા તબક્કાનું મતદાન 20 મેને સોમવારના રોજ થવાનું છે. આ તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદારો તેમના મતાધિકારના અધિકારનો ઉપયોગ કરશે. મુંબઈમાં પણ આ જ દિવસે મતદાન થવાનું છે. મુંબઈની છ લોકસભા બેઠકો પર ખરાખરીનો રંગ જામ્યો છે. 6 બેઠકમાંથી ત્રણ બેઠક પર શિવસેના વર્સીસ શિવસેના છે. મુંબઈમાં ગુજરાતી મતદારોની ભૂમિકા મહત્વની હોય છે. પરંતુ જો ઉમેદવારની વાત કરીએ તો આ વખતે માત્ર એક જ ઉમેદવાર ગુજરાતી છે, મિહિર કોટેચા. જે મુંબઈ નોર્થ ઈસ્ટ પર ભાજપ તરફથી મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આપણે જાણીએ લોકસભા ચૂંટણી દરમિયાન અગાઉ ભાજપના કયા ગુજરાતીઓ ચહેરાઓનો મુંબઈમાં દબદબો રહ્યો છે.
1. જયવંતિબહેન મહેતા
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને દિગ્ગજ ગુજરાતી નેતાઓમાંના એક એટલે જયવંતિબેન મહેતા. જયવંતિ બેન મહેતા મુંબઈથી લોકસભાના સાસંદ રહી ચૂક્યા છે અને 1999માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં રાજ્યમંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. જયવંતીબેનનો જન્મ 20 ડિસેમ્બર 1938ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં થયો હતો. તેણીએ 1962 માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1968માં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા. ત્યારબાદ તેણી ફરીથી ચૂંટાઈ આવ્યાં અને 10 વર્ષ માટે મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે સેવા આપી.1975માં જાહેર કરાયેલી ઈમરજન્સી દરમિયાન તે 19 મહિના સુધી જેલમાં રહ્યા હતા. જયવંતીબેન 1978માં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા હતા અને ઓપેરા હાઉસ મતવિસ્તારમાંથી 1985 સુધી 2 ટર્મ સુધી સેવા આપી હતી.
વર્ષ 1980માં જયવંતિબહેન મહેતા ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા હતા અને 1988 માં તેણીને અખિલ ભારતીય સચિવ બનાવવામાં આવ્યા હતાં. 1989માં તેણી પ્રથમ વખત લોકસભા માટે ચૂંટાયા હતા. ત્યારબાદ 1996 અને 1999માં પણ તેમણે લોકસભામાં પોતાની જગ્યા બનાવી રાખી હતી અને 1999 થી 2004 સુધી વાજપેયી સરકારમાં પાવર રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતાં.જયવંતીબેને 1991 થી 1995 સુધી ભાજપના મહિલા મોરચાના પ્રમુખ તરીકે અને 1993 થી 1995 સુધી ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી. તેણીએ 1989માં 9મી લોકસભામાં મુંબઈ ઉત્તર પૂર્વ મતવિસ્તાર અને 1996 અને 1999માં 11મી અને 13મી લોકસભામાં મુંબઈ દક્ષિણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1999ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મુરલી દેવરાને 10,243 મતોથી હરાવીને જયવંતીબેન સંસદમાં પહોંચ્યા હતા.વર્ષ 2004માં લોકસભા ચૂંટણીમાં તેમની લડાઈ કૉંગ્રેસ નેતા મિલિંદ દેવરા સામે થઈ હતી. ત્યારે 137,956 મત સાથે મિલિંદ દેવરાએ વિજય મેળવ્યો હતો. વર્ષ 2016માં ટૂંકી બિમારી બાદ 78 વર્ષની વયે જયવંતિબહેન મહેતાનું નિધન થયું હતું.
2. કિરિટ સોમૈયા
મહારાષ્ટ્ર બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા પણ ગુજરાતી છે. તેમણે 16મી લોકસભા અને 13મી લોકસભામાં મુંબઈ ઉત્તર-પૂર્વનું પ્રતિનિધિત્વ કર્યું હતું.હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર એકમના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. કિરીટ સોમૈયાનો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયો હતો. તેમણે 1979માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સ્નાતક થયા અને ઓલ ઈન્ડિયા મેરિટ લિસ્ટમાં પણ સ્થાન મેળવ્યું. જ્યારે દેશમાં રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી ત્યારે એક વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે સોમૈયાએ 1975માં જયપ્રકાશ નારાયણની બિહાર ચળવળમાં ભાગ લીધો હતો. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા અને મહારાષ્ટ્ર વિધાનસભા અને મુંબઈ ઉત્તર-પૂર્વ લોકસભા મતવિસ્તારમાં મુલુંડ વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું.
વર્ષ 1995માં કિરીટ સોમૈયા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડ્યા અને મુલુંડ વિધાનસભામાંથી ચૂંટાયા હતાં. આ ચૂંટણીમાં તેમણે 43,527 મતોના માર્જિનથી જીત મેળવી હતી.ધારાસભ્ય તરીકે તેમણે મહારાષ્ટ્ર એસેમ્બલીમાં 2 મોટા અધિનિયમો પસાર કર્યા – મહારાષ્ટ્ર સ્મોલ ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન એક્ટ, રિપીલ ઓફ કોરોનર્સ કોર્ટ (પોસ્ટ મોર્ટમ) એક્ટ અને હાઉસિંગ સોસાયટી કન્વેયન્સ બિલ રજૂ કર્યું. 1999ની લોકસભા ચૂંટણીમાં સોમૈયાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્તમાન ગુરુદાસ કામતને 7,276 મતોના માર્જિનથી હરાવ્યા હતા. એક સાંસદ તરીકે તેમણે લોકસભામાં તેમના કાર્યકાળ દરમિયાન સંસદમાં મહત્તમ 11 અરજીઓ રજૂ કરી (13મી લોકસભામાં રજૂ કરાયેલ કુલ 27 અરજીઓમાંથી) જે ઇતિહાસમાં કોઈપણ સાંસદ દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીઓની સૌથી વધુ સંખ્યા હતી. 2004 અને 2009માં પણ તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતાં. પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. પછી 2014માં ફરી ભાજપે લોકસભા ચૂંટણીમાં કિરિટ સોમૈયાને મુંબઈ ઉત્તર પૂર્વમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા. ત્યારે તેમણે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વર્તમાન ઉમેદવાર સંજય દિના પાટીલને 317,122 મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા. ગત વર્ષે એટલે કે 2023માં કિરિટ સોમૈયાનો આપત્તિજનક એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોના દ્રશ્યોએ હોબાળો મચાવી દીધો હતો.
3. મનોજ કોટક
મનોજ કોટક મહારાષ્ટ્રમાં ભાજપના અગ્રણી નેતાઓમાંના એક છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ મુંબઈ નોર્થ ઈસ્ટથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેમણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ વખત કોર્પોરેટર તરીકે સેવા આપી હતી અને કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના નેતા હતા મનોજ કોટક સામાજિક કાર્યકર તરીકે ખૂબ જ સક્રિય રહે છે. તેમની પત્નીનું નામ સીમા મનોજ કોટક છે અને તેમને બે બાળકો છે. મનોજ કોટકે મહિલાઓમાં સ્વ-રોજગાર ચળવળ દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ઘણું કામ કર્યું છે.
મનોજ કિશોરભાઈ કોટકનો જન્મ રાજકોટમાં થયો હતો. 2019માં કિરિટ સોમૈયાનું પત્તુ કાપીને ભાજપ પાર્ટીને મનોજ કોટકને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતાં. ભારતીય સામાન્ય ચૂંટણીમાં મુંબઈના ઉત્તર પૂર્વ મતવિસ્તારમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના ઉમેદવાર સંજય દિના પાટીલ સામે 2.26 લાખ મતોના માર્જિનથી તેમણે જીત હાંસિલ કરી હતા. હાલમાં તેઓ મુંબઈ ઉત્તર પૂર્વના સાંસદ છે. જોકે આ વખતે ભાજપે આ સીટ પર તેમનું પત્તુ કાપીને બીજા ગુજરાતી નેતા મિહિર કોટેચાને ટિકિટ આપી છે. પોતાની ટિકિટ કપાતા મનોજ કોટકે નારાજગી પણ વ્યક્ત કરી હતી.