નવી દિલ્હીઃ કરતારપુર કોરિડોર પર સતત વલણ બદલી રહેલાં પાકિસ્તાને ફરી એકવાર પલટી મારી છે. પાકિસ્તાને હવે કહ્યું છે કે તે નવમી નવેમ્બરે કરતારપુર સાહિબ ગુરુદ્વારાના દર્શને આવનારાં શ્રદ્ધાળુઓની પ્રથમ બેચ પાસેથી 20 ડોલર ફી લેશે. અગાઉ, પાકિસ્તાને $ 20ની ફી માગી હતી, પરંતુ 9 નવેમ્બરના રોજ કોરિડોરના ઉદઘાટન પર છૂટની ઘોષણા કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ખુદ આ ઘોષણા કરી હતી, પરંતુ હવે પાકિસ્તાને ફેરવી તોળ્યું છે.
આ અગાઉ 7 નવેમ્બરના રોજ પાસપોર્ટ જરૂરી ન હોવાના મામલે પણ પાકિસ્તાને પલટી મારી હતી. પાકિસ્તાન વતી સેનાએ કહ્યું કે અમે સુરક્ષાના કારણોસર પાસપોર્ટ માફ કરી શકતાં નથી. પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે અમે અમારા સાર્વભૌમત્વ અને સુરક્ષામાં સમાધાન કરી શકીએ નહીં.
જ્યારે ભારત તરફથી આ મુદ્દે ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું હતું કે કરતારપુર સાહિબ જતાં ભારતીય કશ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટ જરૂરી રહેશે. પાકિસ્તાન તરફથી વિરોધાભાસી અહેવાલો મળી રહ્યાં છે. કેટલીકવાર તેઓ કહે છે કે પાસપોર્ટ જરૂરી છે, કેટલીકવાર તેઓ કહે છે કે તે જરૂરી નથી. અમે સમજીએ છીએ કે તેમના રાજ્ય વિભાગ અને અન્ય એજન્સીઓ વચ્ચે તફાવત છે. અમારી પાસે એમઓયુ છે અને તે બદલાયો નથી. તે મુજબ પાસપોર્ટ જરૂરી છે.